Get The App

ખેતીની જમીનના હેતુફેરના કિસ્સામાં અરજદાર ખેડૂત છે કે નહી તે અંગે પત્ર લખીને પુરાવા મંગાશે

કૃષિપંચ મામલતદાર દ્વારા નકારાત્મક અભિપ્રાયનું પ્રમાણ ઘટશે ઃ હવે અરજદારને સીધી તક અપાશે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ખેતીની જમીનના હેતુફેરના કિસ્સામાં  અરજદાર ખેડૂત છે કે નહી તે અંગે પત્ર લખીને પુરાવા મંગાશે 1 - image

વડોદરા, તા.21 વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીનોના હેતુફેર કરવાના નિર્ણય સમયે મોટાભાગની અરજીઓ નામંજૂર થવાના કિસ્સામાં ભારે ઉહાપોહ બાદ હવે ખેડૂત ખાતેદારને પુરાવા રજૂ કરવા માટે તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો  હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારનો નિર્ણય પ્રથમ વખત લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ખેતીની જમીનોમાં હેતુફેર કરવાની અરજીઓ જ્યારે કલેક્ટર કચેરીમાં કરાતી હતી ત્યારે ખેડૂત ખાતેદારો ખેડૂત છે કે નહી તે અંગેના પુરાવાના અભાવે મોટાભાગની અરજીઓ દફ્તરે અથવા નામંજૂર કરી દેવામાં આવતી હતી. પરંતુ હવે ખેડૂત ખાતેદારોના કારણે અરજદારને તકલીફ ના પડે તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂત ખાતેદાર માટે કૃષિપંચ દ્વારા અભિપ્રાય આપવામાં આવતો હતો કેટલાંક કિસ્સામાં યોગ્ય કાગળોના અભાવે કૃષિપંચ દ્વારા નકારાત્મક અભિપ્રાયના કારણે અરજદારને નુકસાન સહન કરવું પડતું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂત ખાતેદાર જ્યારે આઇઓઆરએમાં ઓનલાઇન અરજી કરે છે ત્યારે અરજદાર ખેડૂત ખાતેદાર છે કે નહી તે અંગેનો મામલતદાર કૃષિપંચનો અભિપ્રાય માંગવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં ખેડૂત ખાતેદારના પુરાવાના અભાવે નકારાત્મક અભિપ્રાય આવતા હતા જેથી બિનખેતી અથવા પ્રિમિયમવાળી અરજીઓનો નિકાલ નકારાત્મક રીતે થતો હતો પરંતુ હવે નકારાત્મકનું પ્રમાણ ના વધે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કૃષિપંચ, મામલતદાર પાસે અભિપ્રાય ઉપરાંત હવે આઇઓઆરએમાં અરજી કરનાર અરજદારને પોતે ખેડૂત ખાતેદાર છે કે નહી તેના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. આઇઓઆરએમાં જ્યારે અરજી કરવામાં આવે છે ત્યારે અરજદારનું સરનામું તેમજ મેઇલ આઇડીનો ઉલ્લેખ હોય છે જેથી અરજદારને એક પત્ર લખવામાં આવશે અને આ પત્ર રજીસ્ટર એડી દ્વારા અરજદારને મોકલીને પોતે ખેડૂત ખાતેદાર હોય તો તેના પુરાવા રજૂ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવશે.




Google NewsGoogle News