જીકાસ પોર્ટલના કારણે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ઘટયા
વડોદરાઃ ધો.૧૨ પછી વિવિધ કોર્સમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાના કારણે અને સરકારના શિક્ષણ વિભાગે પ્રવેશ યાદી જાહેર કરવા માટે આપેલી ગાઈડ લાઈનના કારણે આ વર્ષે એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
મળતી વિગતો પ્રમાણે તા.૫ અને ૬ જૂનના રોજ સ્કલ્પચર, પેઈન્ટિંગ અને એપ્લાઈડ આર્ટસની ૮૦ જેટલી બેઠકો માટે પ્રવેશ પરીક્ષા ેલેવાઈ હતી.જેમાં આ વખતે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.સામાન્ય રીતે તેના કરતા બમણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે.આ વખતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ પણ લેવાઈ ગયા છે.હવે તા.૧૨ કે ૧૩ જૂનના રોજ પ્રવેશ યાદી બહાર પાડવામાં આવશે.
સૂત્રોનુ કહેવુ છે કે, ૨ જૂનના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી.એ પછી જીકાસ પોર્ટલ પરથી ડેટા મોકલવામાં આવ્યા હતા અને સત્તાધીશોઅ તા.૫ અને ૬ ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હોવાથી અન્ય રાજ્યોના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા માટે આવી શક્યા નથી.આમ આ વખતે ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતા છે.સત્તાધીશોએ વિદ્યાર્થીઓને થોડો સમય આપવાની જરુર હતી.
બીજી તરફ ફેકલ્ટી સત્તાધીશોનુ કહેવુ છે કે, દર વર્ષે જુલાઈમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે તેના કરતા આ વખતે એન્ટ્રન્સ ટેસ્ટ વહેલો લેવાયો હોવાથી શૈક્ષણિક સત્ર પણ સમયસર શરુ થશે.ઉપરાંત સરકારે જે કોમન એડમિશન પ્રોગ્રામ બનાવ્યો છે તે પ્રમાણે કાર્યવાહી કરવી જરુરી છે.પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નહીંવત ઘટાડો નોંધાયો છે.પેઈન્ટિંગ વિભાગમાં તો અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં પરીક્ષા આપવા માટે બેઠા હતા.