પાવી જેતપુરના આંબાલગ ગામના કૂવામાં દીપડો ખાબક્યો : વન વિભાગ દ્વારા પિંજરામાં રેસ્ક્યું
Vadodara Leopard Rescue : છોટા ઉદેપુર જીલ્લામાં દીપડાની નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે. ઉનાળાના સમયમાં પાણી અને ખોરાકમાં દીપડા માનવ વસ્તી તરફ આવી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. પરંતુ ચોમાસમાં દીપડો બહાર આવી જવાની ઘટના સામે આવી છે.
પાવી જેતપુર તાલુકાના આંબાલગ ગામના મોટા ફળિયામાં ભિમસિંગ ભાઈ દામનભાઈ રાઠવાના ખેતરમાં કૂવો આવેલો છે. ગત રાત્રીના સમયે દીપડો શિકારની શોધમાં ફરતા ફરતા ભીમસિંગભાઈના ખેતરના કૂવામાં ખાબક્યો હતો, આ વાતની જાણ ખેતર માલિકને સવારે થઈ હતી. તેમણે સરપંચને તથા વન વિભાગને જાણ કરી હતી. કૂવામાં પડેલા દીપડાની જાણ થતા લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી કાઢવા માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીંજરું દરવાજો ખુલ્લો રાખીને કૂવામાં ઉતારવામાં આવ્યું હતુ, પીંજરું કૂવામાં ઉતારતા દીપડો પિંજરામાં આવી ગયો હતો અને પીંજરું બંધ કરીને દીપડાને પીંજરા સાથે બે કલાકની ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.