ફતેગંજમાં લીકેજ રિપેરિંગ ઃ આજે સાંજે, કાલે સવારે પાણી નહીં મળે
ટીપી-૧૩, છાણી, સમા, લાલબાગ, જેલ રોડ, કમાટીબાગ વગેરે વિસ્તારમાં ૪ લાખ લોકોને અસર થશે
વડોદરા, તા.1 વડોદરામાં ફતેગંજ બ્રિજ પાસે પડેલું ફાજલપુર ફ્રેન્ચ કૂવાની ૩૬ ઈંચ ડાયામીટરની લાઈન પરનું લીકેજ રિપેરિંગ કામ સવારથી શરૃ કરવામાં આવતા તા.૨ની સાંજે અને તા.૩ની સવારે આશરે ૪ લાખ લોકોને પાણી નહીં મળે, જેથી ભરઉનાળે લોકોને પાણી વિના રહેવાનો વારો આવશે.
તા.૨ના રોજ ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાકીઓ જેવી કે, ટીપી-૧૩ ટાંકી, છાણી ૨૪ X ૭, છાણી જકાતનાકા, સમા ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાકી અને પરશુરામ બૂસ્ટર તથા બકરાવાડી બૂસ્ટર ખાતેથી સાંજનાં સમયનું પાણી મેળવતા વિસ્તારમાં પાણી બંધ રહેશે તથા બીજા દિવસે તા.૩ના રોજ સવારનાં સમયમાં ઉક્ત ટાંકીના પાણી મેળવતા વિસ્તારોમાં પાણી બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનું વિતરણ હળવા દબાણથી તથા ઓછા સમય માટે કરવામાં આવશે.
વડોદરામાં ભર ઉનાળે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થવાના વાંકે ખાસ તો પૂર્વ વિસ્તારના લોકોએ પાણીની અભૂતપૂર્વ કટોકટીનો સામનો કર્યો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે છેલ્લા છ દિવસથી પાણીની લાઈનમાં લીકેજ હોવાથી હજારો લીટર પાણી નકામું વહી ગયું છે.
એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી, ટેન્કરોનો સહારો લેવો પડે છે, બહારથી પાણી વેચાતું લાવવું પડે છે, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું છે. છ દિવસના લીકેજ બાદ કોર્પોરેશનનું તંત્ર છેક દોડતું થયા બાદ રિપેરિંગ કામ હાથ પર લીધું છે.
ફતેગંજ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક સતત લીકેજ હોવાના કારણે આજુબાજુ ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ અને ગરીબોને મજા પડી ગઈ હતી, અને રોડ પર જ નાહવા - ધોવાનું કર્યું હતું. જેથી રોડ પર પાણી ઢોળાતા ગંદકી ફેલાઈ હતી.