વડોદરામાં ફતેગંજ પાસે છેલ્લા પાંચ દિવસથી પાણીની લાઈનનું લીકેજ સમારકામ કરતાં હજુ ત્રણ-ચાર દિવસ નીકળી જશે
Vadodara Water Pipeline : વડોદરામાં ભર ઉનાળે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થવાના વાકે સાત લાખ લોકો છેલ્લા બે દિવસથી પાણીની અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ શહેરના ફતેગંજ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે છેલ્લા પાંચ દિવસથી પાણીની લાઈનમાં લીકેજ હોવાથી હજારો લિટર પાણી નકામું વહી ગયું છે. એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી. ટેન્કરોનો સહારો લેવો પડે છે. બહારથી પાણી વેચાતું લાવવું પડે છે, જ્યારે બીજી બાજુ હજારો લિટર પાણી કોઈપણ જાતનો ઉપયોગ વિના ગટરમાં વહી ગયું છે. પાંચ દિવસથી ચાલતા આ લીકેજ બાદ કોર્પોરેશનનું તંત્ર છેક હવે દોડતું થયું છે. જોકે હજુ પણ કાર્ય પૂર્ણ થતા ત્રણ ચાર દિવસનો સમય લાગશે, અને ત્યાં સુધીમાં તો બીજું હજારો લિટર પાણી નકામું વહી જશે. છેલ્લા પાંચ દિવસથી ફતેગંજ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક સતત લીકેજ હોવાના કારણે આજુબાજુ ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ અને ગરીબોને તો મજા પડી ગઈ છે અને રોડ પર જ નાહવા- ધોવાનું ચાલુ કરી દીધું છે. પાણીના આ બેફામ વેડફાટ છતાં તંત્ર પાંચ દિવસ સુધી કેમ ચૂપ રહ્યું તે અંગે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. આજે બપોરે કોર્પોરેશનના ઉત્તર ઝોનના અધિકારીઓ સ્થળ પર વિઝિટ લેવા પહોંચ્યા હતા, ત્યારે પણ પાણી લીકેજના સ્થળેથી ધમધોકાર વહેતું જોવા મળ્યું હતું. આ અંગે એક અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે લીકેજ રીપેરીંગ માટે હાલ આયોજન થઈ રહ્યું છે, અને મંગળ બુધ સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. કારણ કે લીકેજ નું કામ ધારીએ તેટલું સહેલું નથી હોતું. આના માટે પણ શટડાઉન લેવા પડે છે. હજુ હમણાં જ રાયકા દોડકા લાઈનનું શટડાઉન લેવામાં આવ્યું હતું, અને તેની સિસ્ટમ માંડ રીસ્ટોર થઈ છે. આ વિસ્તારમાં પણ રાયકા દોડકાનું પાણી આવી રહ્યું છે, અને લીકેજ રીપેરીંગ માટે ફરી પાછું શટડાઉન લેવું પડશે અને લાઈન ખાલી કરવી પડશે એ પછી જ રીપેરીંગ થઈ શકશે.