ટીપી 13માં પાણીની લાઈન પર એક જ સ્થળે વર્ષમાં પાંચમી વખત લીકેજ સર્જાયુ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે .જેના કારણે એક સ્થળે લીકેજ થયા બાદ ફરી ત્યાં લીકેજ થવાના કારણે લોકો હેરાન થાય છે ,અને કોર્પોરેશનને રીપેરીંગ નો ખર્ચ પણ માથે પડે છે. શહેરના ઉત્તર ઝોન માં એકની એક જગ્યાએ વારંવાર લીકેજ રીપેરીંગની સમસ્યા ઊભી થઈ છે. ટીપી13 પ્રયાગ મંદિર ની સામે વરદાન કોમ્પ્લેક્સ નીચે કાળી ચૌદસના દિવસથી લીકેજ છે. જેના લીધે આશરે 35 સોસાયટીઓમાં પીવાનું પૂરું પાણી મળતું નથી. વિસ્તારના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર ના કહેવા મુજબ છાણી જકાતનાકા તરફથી આવતી આ લાઈન ટીપી 13 પાણીની ટાંકી સાથે જોડાયેલી છે. હજુ નવરાત્રી પછી ત્યાં લીકેજ પડતા રીપેરીંગ કરવામાં આવ્યું હતું. 15 દિવસ બાદ ફરી પાછું ત્યાં લીકેજ સર્જાયું છે. કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ આવતું જ નથી. તહેવારના દિવસોમાં પણ લોકોને પૂરતું પાણી મળ્યું નથી. અધિકારીઓ ને જાણ કરી છે, પરંતુ રજા ના લીધે કામગીરી થતી નથી. એકની એક જગ્યાએ છેલ્લા 12 મહિનામાં ચારથી પાંચ વાર લીકેજ થયું છે. આ લાઈન આખી ડેમેજ થયેલી છે. એક સ્થળે સાધવાથી બીજી જગ્યાએ લીકેજ પડ્યા કરે છે. ખરેખર તો આ લાઈન જ બદલીને નવી નાખવાની જરૂર છે. અત્યાર સુધીમાં જેટલા લીકેજ રીપેરીંગના ખર્ચા થયા છે એમાં તો આખી લાઈન બદલાઈ જાય, પરંતુ કોર્પોરેશનમાં અંધેરી નગરી જેવું શાસન છે.