વડોદરાના સમા વિસ્તારમાં છ મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ
Water Leakage in Vadodara : વડોદરા શહેરમાં પાણીની લાઈનમાં લીકેજની સમસ્યા બંધ થવાનું નામ લેતી જ નથી. એક જગ્યાએ કામ પૂર્ણ થાય તો બીજી જગ્યાએ લીકેજ ચાલુ થઈ જાય છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાણી નો પ્રશ્ન વિકટ બન્યો છે, લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું ત્યારે છ મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવાની વિગતો બહાર આવી છે.
વિસ્તારના રહીશોના કહેવા મુજબ આ અંગે કોર્પોરેશનમાં અને કોર્પોરેટરોને અવારનવાર રજૂઆતો કરી છે, છતાં પણ આ સમસ્યાનો હલ શોધી શકવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. પાણી સવારે વિતરણ થયા બાદ એક કલાક પછી પણ લીકેજના સ્થળે જોવાથી જણાશે કે પાણી કેટલા ફોર્સ થી બિનજરૂરી વહી રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો લીટર પાણીનો કોઈપણ જાતના ઉપયોગ વગર વેડફાટ થઈ ગયો છે. વિસ્તારની મહિલાઓ પાણીના પ્રેશર ની બૂમો પાડે છે, પરંતુ જે લીકેજ છે તે શોધી શકાતું જ નથી. વરસાદી ગટરમાં ચોખ્ખું પાણી ક્યાંથી આવી રહ્યું છે તે શોધી કાઢવા અધિકારીઓ અને કોર્પોરેટરને અવારનવાર કહ્યું છે. એક ચેમ્બર તો દબાઈ ગઈ હતી, અને તે ખોદી કાઢી તો તેમાં પણ આ ચોખ્ખું પાણી સતત વહી રહ્યું છે. હજુ થોડા સમય પહેલા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા થી સમા કેનાલ તરફ જતા જલારામ નગર પાસે પાણીના વેડફાટ અંગે રજૂઆતો કર્યા પછી પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે પાણીની લાઈન પરના લીકેજ અને ફોલ્ટ સંદર્ભે સ્કાડા સિસ્ટમ અમલી બનાવી છે, પરંતુ આ ફોલ્ટ તે કેમ શોધી શકતી નથી તે સવાલ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાય દિવસોથી પાણીની રામાયણ છે જ્યારે બીજી બાજુ આ રીતે તંત્રની આવા લીકેજ બંધ કરતું નથી અને લોકો સુધી પાણી પહોંચતું નથી.