ગેસ લાઇનના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી વડોદરા પાલિકાની મુખ્ય કચેરી સામે ત્રણ દિવસથી પાણીની લાઈનમાં લીકેજ
Vadodara News : વડોદરા પાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતાં આજે તંત્ર દોડતું થઈ ગયું હતું. અધિકારીઓ અને કાઉન્સિલરની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઈનની અંદર લીકેજ જોવા મળ્યું હતું.
વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સૂર્વેએ જણાવ્યું કે, અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર લાઈન ખોદતા હોય છે, એના કારણે પાણીની લાઈનમાં ગેસ કનેક્શનની પાઇપ નાખનાર માણસો દ્વારા ડ્રિલ મશીનથી પાણીની પાઇપમાં કાણું પડી જવાથી હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ ગયું હતું. બેદરકારીથી ગેસની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરને કડકમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી અને જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસના કોન્ટ્રાક્ટર પાસે લેવા માંગણી કરી હતી. હાલ પાણીની લાઈનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રએ હાશકારો લીધો અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું.