વડોદરાના અકોટા વિસ્તારમાં પાણીની મોટી લાઈનમાં બે મહિનાથી લીકેજ

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
વડોદરાના અકોટા વિસ્તારમાં પાણીની મોટી લાઈનમાં બે મહિનાથી લીકેજ 1 - image


વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો કકડાટ ઉભો થયો છે. એમાંય ખાસ તો પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવા ઉપરાંત લાઈન લીકેજના કારણે પાણીનો ખૂબ જ બગાડ થાય છે ,અને લોકોને પૂરતી માત્રામાં પૂરતા સમય સુધી પહોંચી શકતું નથી. વડોદરા કોર્પોરેશન એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. હજુ ફતેગંજનું દિવસો સુધી લીકેજ રીપેરીંગ નું કામ પૂર્ણ થયું છે, ત્યાં તો અકોટા વિસ્તારનું લીકેજ બહાર આવ્યું છે. આ વિસ્તારના એક રહીશ ના કહેવા મુજબ અકોટા  દિનેશ મિલ ગરનાળા નીચે પસાર થતી પાણીની મોટી લાઈનમાં લીકેજ છે, અને બે મહિના દરમિયાન લાખો લીટર પાણી નાાળામાં વહી ગયું છે. આ વિસ્તારમાં  પાણીનું પ્રેશર અપૂરતું છે  તેની પાછળનું કારણ આ મોટું લીકેજ હોવાનું જણાઈ રહ્યું છે .વોર્ડ નંબર 12 માં તંત્રને આ મુદ્દે રજૂઆતો પણ કરી છે, પરંતુ ધ્યાન અપાતું નથી. ગઈકાલે એક સુપરવાઈઝરે આવીને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી ફોટા લીધા હતા, અને ગયા પછી શું કર્યું તેની કોઈ માહિતી નથી. દરમિયાન વિસ્તારના ભાજપના સિનિયર કોર્પોરેટર ના કહેવા મુજબ પાણીનો બગાડ થાય તે કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે. આ મુદ્દો આજે જ ધ્યાન પર લાવવામાં આવ્યો છે. દરમિયાન એક રહીશના કહેવા મુજબ પાણી પણ ગંદુ  મળે છે .કોર્પોરેશનનું તંત્ર પાણી પૂરતું વિતરિત કરાતું હોવાની વાતો કરે છે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે.  હજી ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ શહેરમાં પીવાના પાણી નો પ્રશ્ન વિકટ બન્યો છે. પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાઈન તોડી નાખતા લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી, અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીના ટેન્કરો ફરતા થઈ ગયા હતા. ખાનગી ટેન્કર ચાલકોએ પણ લોકોની મજબૂરી નો લાભ ઉઠાવી ઊંચા ભાવે ટેન્કરો પહોંચતા કર્યા હતા. ફતેગંજમાં  દિવસો સુધી ફાજલપુર ની 36 ઇંચની જર્જરીત બનેલી ફીડર લાઈનમાં લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણી વેડફાયું હતું, અને લોકો સુધી પહોંચ્યું જ ન હતું. પાંચ લાખ લોકો હેરાન થયા એ પછી કોર્પોરેશનના તંત્રએ આ સડેલી લાઈન પર મહામુસીબતે રીપેરીંગ કર્યું હતું. હવે અકોટાનું લીકેજ સામે આવ્યું છે.


Google NewsGoogle News