વડોદરામાં મહીસાગર-ફાજલપુર પાણીની લાઈનમાં છેલ્લા બે મહિનાથી લીકેજ
- રોજ પાણીનો વેડફાટ થાય છે, પરંતુ લીકેજ રીપેરીંગ કરાતું નથી
વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર
વડોદરાના વિવિધ વિસ્તારમાં હાલ એક બાજુ પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી, ત્યારે બીજી બાજુ જીએસએફસી ગેટની સામે આજોડ સોખડા તરફ જવાના રોડ પર છેલ્લા દોઢ બે મહિનાથી મહીસાગર ફાજલપુરની પાણીની લાઈનમાં લીકેજ હોવાથી રોજ પાણીનો વેડફાટ થાય છે. આ અંગે તંત્રને ધ્યાન દોરવા છતાં રીપેરીંગ કરવામાં આવતું નથી તેમ સ્થાનિક રહીશોનું કહેવું છે. મહીસાગરની પાણીની આ લાઈનમાં પ્રેસર પણ ખૂબ જ હોવાથી પાણી ઝડપભેર બહાર લીકેજ થઈને નીકળે છે અને રોડ પર ભરાયેલું રહે છે. લીકેજ સતત ચાલુ હોવાથી પાણી દૂષિત થવાની પણ શક્યતા છે. વડોદરામાં પાણીની લાઈનમાં લીકેજના બનાવો કોઈ નવી વાત નથી. અવારનવાર ખોદકામ અથવા તો બીજા કોઈ કારણસર લાઈન લીકેજ થાય છે, અને તેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે. બીજી બાજુ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અગાઉ કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ થતો અટકાવવા મોટી વાતો કરવામાં આવી હતી અને લીકેજની જાણ તાત્કાલિક ફરિયાદ કેન્દ્ર પર કરવા સૂચનાઓ જારી કરી હતી. આમ છતાં લીકેજના પ્રશ્નો ઉકેલવામાં અને તેના લીધે પાણીનો બગાડ અટકાવવામાં તંત્રને સફળતા મળી નથી. શહેરમાં વર્ષો જૂની પાણીની લાઈનો છે. જે ખોદકામના લીધે અવારનવાર લીકેજ થાય છે. પાણીની લાઈન પાસેથી ગટર લાઈનો નીકળતી હોવાથી ગટરનું લીકેજ પાણીની લાઈનમાં મિક્સ થવાને લીધે કોન્ટમીશનના પ્રશ્નો ઊભા થાય છે. કોર્પોરેશનની સમગ્ર સભાઓમાં અવારનવાર આ મુદ્દે રજૂઆતો થાય છે, પરંતુ સમસ્યા યથાવત રહી છે.