એલસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૃ પકડયો
દારૃની વધતી જતી હેરાફેરી વચ્ચે પેથાપુર ચાર રસ્તા પાસેથી
રોડ સાઈડમાં કાર દિવાલ સાથે અથડાવી બુટલેગર ભાગી જવામાં સફળ : ૫.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચે એલસીબી ટુની ટીમ દ્વારા પેથાપુર ચાર રસ્તાથી પીછો કરીને વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી. જોકે રોડ સાઈડમાં દિવાલ સાથે અથડાવી કાર મૂકીને બુટલેગર ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કાર અને દારૃ મળી ૫.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ
બાતમીદારોને સક્રિય કરીને વિદેશી દારૃના જથ્થાને પકડી રહી છે. ગાંધીનગર એલસીબી ટુ
પીઆઇ એચ.પી.પરમાર દ્વારા પણ સ્ટાફના માણસોને એલર્ટ રહીને વિદેશી દારૃ ભરેલા વાહનો
પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે
સમયે બાતમી મળી હતી કે, પેથાપુર
ચાર રસ્તા પાસેથી પસાર થનારી કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના
પગલે પોલીસ ટીમ દ્વારા અહીં વોચ ગોઠવવામાં આવી હતી અને આ બાતમીવાળી કરાવતા તેને
ઉભા રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો પરંતુ તેના ચાલકે કાર ભગાડી મૂકી હતી.
જેથી પોલીસ ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો શરૃ કર્યો હતો જોકે રેડી વર્ડ પાસેથી
બોડીયા તળાવ બાજુ કાર દોડાવીને રોડ સાઈડમાં પશુ જૈવિક સંસ્થાની દિવાલ સાથે કાર
અથડાવીને બુટલેગર તેમાંથી નાસી છૂટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની
બોટલો અને બિયરના ટીન મળી ૯૩૬ નંગ કબજે કરી લેવામાં આવ્યા હતા. કાર અને દારૃ મળીને
૫.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.