પત્નીની છેડતી કરતાં વૃધ્ધ વકીલની અસીલે જ કરપીણ હત્યા કરી
વકીલે અગાઉ પણ અસીલની પત્નીની છેડતી કરી હોવાની કેફિયત ઃ હત્યા કરનાર અસીલની ધરપકડ
વડોદરા, તા.1 શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા વૃધ્ધ વકીલની સિંઘરોટ પાસે મિનિ નદીના બ્રિજ પર કરપીણ હત્યા થઇ હતી. વકીલ તેના અસીલ અને અસીલની પત્ની સાથે ફરવા ગયા બાદ વકીલે અસીલની પત્નીની છેડતી કરતાં રોષે ભરાયેલા અસીલે રોડના ઘા મારી વકીલને પતાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયની સામે મહીનગરમાં રહેતા ૭૫ વર્ષના વિઠ્ઠલપ્રસાદ મગનલાલ પંડિત વકીલાત તેમજ ગોત્રી વિસ્તારમાં આવેલા બહુચરમાતાજી મંદિરના પૂજારી તરીકે પણ કામ કરે છે. ગઇકાલે રાત્રે તેમને સિંઘરોટ અમરાપુરા ગામની સીમમાં મિનિ નદીના બ્રિજ પર અકસ્માત થયો છે તેવો મેસેજ મળતાં તેમનો પુત્ર યશસ્વી ઉર્ફે ક્રિષ્ણા તેમજ પત્ની બંને સયાજી હોસ્પિટલ દોડી ગયા હતાં. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે પ્રાથમિક તબક્કે તેમના પુત્ર યશસ્વીને જાણવા મળ્યું હતું કે વિઠ્ઠલપ્રસાદ પંડિતનું મોત અકસ્માતમાં નહી પરંતુ અસીલે મારક હથિયારોથી માર મારી કરપીણ હત્યા કરી હતી.
આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયા બાદ પોલીસે નરેશ બાબુભાઇ રાવળ (રહે.શિવાલય હાઇટ્સ, ગોત્રી)ની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં હત્યાની કબૂલાત કરી હતી અને પોલીસને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં હું મંદિરે જતો હતો ત્યારે વિઠ્ઠલપ્રસાદે પૈસાની લેતીદેતીના ઝઘડા મુદ્દે વાત થઇ ત્યારે વિઠ્ઠલપ્રસાદે મારો કેસ લડવા તૈયારી બતાવી હતી અને સિવિલમાં દાવો કર્યો હતો. બાદમાં તેઓ કેસની તારીખના બહાને ઘેર બોલાવતા અને મારી પત્ની સાથે અડપલા કર્યા હતાં પરંતુ તેઓ કેસ લડતા હોવાથી ત્યારે તેને નજરઅંદાજ કર્યું હતું.
દરમિયાન ગઇકાલે તેઓ રણુ મંદિરે ફરવા જઇએ તેમ કહી મારી ગાડીમાં મને તેમજ મારી પત્ની સાથે દર્શન માટે ગયા હતાં ત્યાથી વિઠ્ઠલપ્રસાદે મહી નદીમાં પાણી ખૂબ આવ્યું છે તે જોવા જઇએ તેમ કહી મિનિ નદીના બ્રિજ પાસે લઇ ગયા હતાં. ત્યાં હું થોડે દૂર ગયો ત્યારે મોકો મળતાં વિઠ્ઠલપ્રસાદે મારી પત્ની સાથે છેડતી કરતા પત્નીએ હજી પણ આવું કરે છે તેવી મને ફરિયાદ કરતાં મે માથામાં રોડ માર્યો હતો.