ભરૃચમાં રૃા.૪ લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો
ઠગાઇના કેસમાં આરોપીને મદદ કરવા માટે વકીલે રૃા.૪ લાખ લીધા અને એસીબીની ટીમ ત્રાટકી
ભરૃચ તા.૨૩ ભરૃચની કોર્ટમાં છેતરપિંડીના ચાલતા એક કેસમાં આરોપીને નિર્દોષ છોડાવવા માટે સેટિંગ થઇ ગયું છે તેમ કહી વકીલ રૃા.૫ લાખની લાંચ પૈકી રૃા.૪ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા સમગ્ર જિલ્લામાં ન્યાયાલયમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ ભરૃચમાં ભરૃચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી તેની વિરુધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી હતી. ભરૃચના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટેટની કોર્ટમાં કેસ ચાલતો હોવાથી આ કેસ ફાયનલ દલીલો પર બાકી છે અને છેતરપિંડીની ફરિયાદ જેની વિરુધ્ધ થઇ છે તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે ખાનગી વકીલે રૃા.૫ લાખની લાંચની માંગણી કરી હતી.
લાંચની કુલ રકમ પૈકી રૃા.૪ લાખ આજે આપવાનો વાયદો થયો હતો. લાંચની આ રકમ આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. દરમિયાન અમદાવાદ એસીબી દ્વારા આજે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવરોડ પર આવેલી જૂની મામલતદાર ઓફિસ પાસે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. રૃા.૪ લાખની લાંચ લઇને ગયેલા વ્યક્તિએ ખાનગી વકીલ સલીમ ઇબ્રાહિમભાઇ મન્સુરી (રહે.કાસદ, તા.ભરૃચ) સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ લાંચના રૃા.૪ લાખ વકીલને આપ્યા હતાં.
લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ખાનગી વકીલ સલીમ મન્સુરીને રૃા.૪ લાખ સાથે રંગે હાથ ઝડપી પાડયો હતો. રકમ સ્વીકારતા વકીલે કહ્યું હતું કે આમાંથી મારે બીજાને પણ આપવાના છે તે વાતનું રટણ કર્યું હતું. પરંતુ આ કેસમાં અન્ય કોઇની સંડોવણી ન હોવાનું સામે આવતા આખરે ખાનગી વકીલ સલીમ મન્સુરીની ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.