ગોત્રીમાં શ્રીજીની આગમનયાત્રા વખતે ટ્રાફિક જામ થતાં હોર્ન વગાડવાના મુદ્દે વકીલની કારને મુક્કા મારી ધમકી આપી
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન હોર્ન વગાડવાના મુદ્દે એક કાર ચાલકે પરિવાર સાથે જતા વકીલની કારને આંતરી કાચ પર મુક્કા મારી ધમકી આપી હતી.
દર્શનમ સ્પેન્ડોરામાં રહેતા ચેતનભાઇ દેસાઇએ પોલીસને કહ્યું છે કે,તા.૫મીએ મોડી સાંજે હું પરિવાર સાથે કારમાં જમવા નીકળ્યો હતો ત્યારે ઇસ્કોન હાઇટ્સ પાસે શ્રીજીની આગમન યાત્રા ઉભી હોવાથી ત્યાં મોટું ટોળું જામ્યું હતું.
આ વખતે અનેક વાહનો અટવાયા હતા અને કેટલાક હોર્ન વગાડતા હતા.જેથી એક કાર ચાલક મને ઓવરટેક કરી નીચે ઉતર્યો હતો અને હોર્ન કેમ વગાડે છે તેમ કહી કાચને મુક્કા માર્યા હતા.તેણે ગાળો ભાંડી બહાર નીકળ નહિંતર જવા નહિ દઉ તેમ કહી ધમકી આપતાં યુવકોએ તેને સમજાવીને કારમાં બેસાડયો હતો.થોડે દૂર તે પથ્થર લઇ ઉભો રહ્યો હતો અને ઇશારા કરતો હતો.જેથી મેં પોલીસને ફોન કર્યો હતો.૧૫ મિનિટ સુધી ઉભો રહીને તે ચાલ્યો ગયો હતો.જેથી ગોત્રી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.