સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ અને બ્રેડમાં કીડીઓ દેખાઈ, કાચી રોટલી ખાવી પડે છે

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ અને બ્રેડમાં કીડીઓ દેખાઈ, કાચી રોટલી ખાવી પડે છે 1 - image

વડોદરાઃ વડોદરાની ગર્લ્સ સમરસ હોસ્ટેલનો વહીવટ વિવાદનુ એપી સેન્ટર બની ગયો છે.આજે સતત ત્રીજા દિવસે સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થિનીઓની  સમસ્યાઓના મુદ્દે દેખાવો થયા હતા.

કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ દ્વારા આજે વિદ્યાર્થિનીઓના સમર્થનમાં હોસ્ટેલના વોર્ડનને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને દેખાવો કરવામાં આવ્યા હતા.કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનુ કહેવુ હતુ કે, આજે પણ સવારે નાસ્તામાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ વિદ્યાર્થિનીઓ તરફથી અમને મળી હતી.વિદ્યાર્થિનીઓને અપાતા ભોજનની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની છે.નાસ્તમાં જે બ્રેડ આપવામાં આવે છે તેમાં પણ કીડીઓ જોવા મળતી હોય છે.રોટલીઓ કાચી હોય છે.શાક પણ બરાબર રાંધવામાં નહીં આવતુ હોવાથી ખાઈ શકાય તેવુ નથી હોતુ.રાજકોટમાં ગર્લ્સ હોસ્ટેલ જેવુ ભોજન વડોદરામાં કેમ નથી અપાતુ તે સવાલ છે.

વિદ્યાર્થિનીઓનુ કહેવુ છે કે, જમવામાં ઈયળો કે જીવડા નીકળવાની ફરિયાદ તો અનેક વખત કોન્ટ્રાક્ટરને કરવામા આવી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.સરકાર સમરસ હોસ્ટેલમાં જે સુવિધાઓ આપવાના દાવા કરે છે તે કોઈ સુવિધાઓ હોસ્ટેલમાં અમને મળી રહી  નથી.પાણીના પણ ધાંધિયા છે અને માત્ર એક જ ફ્લોર પર પીવાનુ પાણી ઉપલબ્ધ છે.દરમિયાન એનએસયુઆઈના શહેર પ્રમુખનુ કહેવુ હતુ કે, અમે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે હોસ્ટેલના વોર્ડન સમક્ષ માંગ કરી છે અને વોર્ડને અમને કહ્યુ છે કે, આ માટે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે.જો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાકટ રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


Google NewsGoogle News