યુનિ.ની લો ફેકલ્ટીને બાર કાઉન્સિલે એક વર્ષનું એફિલિએશન આપ્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીને આખરે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વધુ એક વર્ષ માટે એટલે કે ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે એફિલિએશન આપ્યું હોવાના કારણે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે સનદ મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
લો ફેકલ્ટી પાસે અત્યાર સુધી એફિલિએશન નહીં હોવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ૨૦૨૩-૨૪ના વર્ષમાં લો ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવનાર લગભગ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ આપવાનો ઈનકાર કર્યો હતો અને જો પ્રોવિઝનલ સનદ ના હોય તો વર્ષના અંતે સનદ માટે બાર કાઉન્સિલ દ્વારા સનદ માટે લેવાતી પરીક્ષા પણ આ વિદ્યાર્થીઓ આપી શકે તેમ નહોતા.
જોકે આ મુદ્દે લો ફેકલ્ટીના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરાઈ રહી હતી.ફેકલ્ટીના વિદ્યાર્થી પાર્થ પંડયા , નિશાંત પાંડે તેમજ પૂર્વ જીએસ પાર્થ સુરતીનું કહેવું છે કે, આ બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ સંખ્યાબંધ વખત અલગ અલગ સ્તરે આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી.જેના કારણે ફેકલ્ટીને એફિલિએશન મળ્યું છે.બીજી તરફ ફેકલ્ટી સત્તાધીશોનું કહેવું છે કે, બાર કાઉન્સિલના નિયમોનુ ફેકલ્ટી દ્વારા હંમેશા વખતો-વખત પાલન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓને કાયદાનુ ઉત્તમ શિક્ષણ મળે તે માટે ફેકલ્ટી કટિબધ્ધ છે.અગાઉના સંખ્યાબંધ સર્વેમાં લો ફેકલ્ટીને ગુજરાતની નંબર વન લો કોલેજ તરીકે પણ સ્થાન મળેલું છે.