વડોદરા એરપોર્ટ પર સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો પ્રારંભ : ચેક-ઇન પ્રક્રિયા ઝડપી બનશે
એક મિનિટમાં 3 મુસાફરોનો સામાન ચેક-ઇન થઇ શક્શે, રોજના સરેરાશ 4,000 મુસાફરોની અવર-જવર
વડોદરા : એરપોર્ટ ઉપર મુસાફરો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હવે મુસાફરોએ ચેક-ઇન પહેલા બેગેજ માટે લાંબો સમય કતારમાં ઉભુ રહેવું નહી પડે. સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમ દ્વારા મુસાફરો જાતે જ પોતાનો સામાન ચેક-ઇન કરાવી શક્શે.
ગુરૃવારથી વડોદરા એરપોર્ટ પર એસ.બી.ડી. (સેલ્ફ બેગેજ ડ્રોપ) સિસ્ટમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં મુસાફરો પહેલા સેલ્ફ ચેક-ઇન કિઓસ્ક (ટચ સ્ક્રિન) પર જરૃરી માહિતી અપલોડ કરવાથી બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ થશે. બેગેજ ટેગને સામાન પર લગાવીને તેને લગેજ બેલ્ટ ઉપર મુકી દેવાનો રહેશે જે બાદ મુસાફર આગળ જઇને બોર્ડિંગ પાસ સ્કેન કરીને સિક્યીરિટી ચેક બાદ વેઇટિંગ લોંજમાં જઇ શક્શે.
અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં એક મુસાફરને પાંચથી સાત મિનિટનો સમય લાગતો હતો તેના બદલે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમમાં એક મિનિટમાં ૩ મુસાફરો પોતાનો સામાન ચેક-ઇન કરાવી શક્શે. ઉલ્લેખનીય છે કે વડોદરાથી દિલ્હી, મુંબઇ, ગોવા, હૈદ્રાબાદ, બેંગાલુરૃ અને પુણે એમ ૬ સ્થળોને જોડતી એરાઇવલ અને ડિપાર્ચર મળીને ૨૪ ફ્લાઇટનો શિડયૂલ છે. રોજના આશરે ૪,૦૦૦ મુસાફરો અવર જવર કરે છે જેમાંથી ૨,૦૦૦ મુસાફરો ડિપાર્ચર કરે છે એટલે કે વડોદરા એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડે છે. આ ૨,૦૦૦ મુસાફરોનો સમય સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી બચશે.