ટેકાના ભાવે મગફળી ખરીદીના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
- રૂા. 1,055 ના ભાવે પ્રતિમણ મગફળી ખરીદાશે
- દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસીમાં નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકાશેઃખેડૂતોને ટોકન આપવામાં આવશે
ગાંધીનગર, તા. 1 ઓકટોબર, 2020, ગુરુવાર
કોરોનાકાળમાં શરૂ થયેલી ખરીફ સિઝનમાં ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ પાક પેટર્ન બદલી હતી પોષણક્ષમ ભાવ મળી રહેવાને કારણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા હતા અને સિઝન દરમિયાન કુલ ૧૩ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે સરકારે તા. ૧લી ઓક્ટોબરથી ૨૦મી સુધી રૂા. ૧૦૫૫ પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા ચાર એપીએમસીમાં ખેડૂતો શુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ ૨૧મીથી ખરીદી કરવામાં આવશે.
કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત રૂપિયા ૧,૦૫૫ પ્રતિ મણ સરકાર ખેડૂતો પાસેથી ટેકાનાભાવે મગફળી ખરદશે. આ માટે આજથી એટલે કે, તા.૧ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ, દહેગામ, માણસા એપીએમસી ઉપરાંત ચિલાડા એપીએમસીમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતો નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે એપીએમસી ઉપરાંત ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે.
રજીસ્ટ્રેશનમાં આપેલ ટોકનના આધારે તા. ૨૧મી મગફળી જે તે માર્કેટયાર્ડમાં ખરીદી ચાલુ થશે. જોકે ગત વર્ષે ટેકાના ભાવ ૯૫૦ હતા. જે ચાલુ વર્ષે માત્ર રૂા. ૧૦૫ વધારી ૧૦૫૫ કરવામાં આવ્યા છે. જ્યારે છુટક મગફળીની ખરીદીનો ભાવ રૂા. ૧૧૦૦થી ૧૧૫૦માં બોલાતો હોવાથી ખેડૂતો હવે વેચાણ સારુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે છે કે બહાર વધુ મળતા ભાવે વેચાણ કરશે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, સામાન્યરીતે ગાંધીનગર જિલ્લામાં મગફળીનું સાડા પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે પરંતુ આ વખતે ખેડૂતોએ પાક પેટર્ન બદલી હતી અને કપાસ ઉપરથી ખેડૂતો મગફળી તરફ વળ્યા હતા જેને પગલે આ વખતે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૩ હજાર હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.