Get The App

મોડીરાતે ઇકો કાર અને પોલીસની વાન વચ્ચે રેસ : કારમાંથી દારૃની બોટલ મળી આવી

હરણી વારસિયા રીંગ રોડ પર કાર લઇને ઉભેલા આરોપીઓની પોલીસે પહોંચી પૂછપરછ કરતા ગભરાઇને ભાગ્યા

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
મોડીરાતે ઇકો કાર અને પોલીસની વાન વચ્ચે રેસ :  કારમાંથી દારૃની બોટલ મળી આવી 1 - image

વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પર ગઇકાલે મોડીરાતે શંકાસ્પદ હાલતમાં ઉભેલી કાર  પાસે પોલીસે જઇને પૂછપરછ કરતા ગભરાયેલા કાર ચાલકે કાર ભગાવી હતી. મોડીરાતે જાહેર માર્ગ પર કાર અને પોલીસની વાન વચ્ચે રેસ લાગી હતી. છેવટે કાર ચાલકે ન્યૂ વી.આઇ.પી. રોડ પર એક મોપેડ ચાલકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. પોલીસ સ્ટાફે કાર ચાલકને ઝડપી પાડયો હતો.

વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સંગમ ચાર રસ્તાથી ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ આવતા એક કાર અંધારામાં ઉભી હતી. જેથી, પોલીસને શંકા જતા તેમણે કાર ચાલકને અંધારામાં ઉભા રહેવાનું કારણ પૂછતા કાર ચાલક ગભરાઇને ત્યાંથી ભાગ્યો હતો. કાર શંકાસ્પદ જણાતા પોલીસની  પીસીઆર વાન દ્વારા કારનો  પીછો કરવામાં આવ્યો હતો. તેમજ વાયરલેસ મેસેજ પાસ કરીને અન્ય પોલીસ વાનને સતર્ક કરવામાં આવી હતી. કાર ચાલક ન્યૂ વી.આઇ.પી. રોડ પર જમણા હાથે ટર્ન લઇને સરદાર એસ્ટેટ ચાર રસ્તા તરફ ભાગ્યો હતો. પકડાઇ જવાના ડરથી પૂરઝડપે ભાગેલા કાર ચાલકે ખોડિયાર નગરથી થોડે દૂર એક મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. મોપેડ ચાલકને તે થોડે દૂર સુધી ઢસડી ગયો હતો.

પોલીસ વાન કાર ચાલકનો સતત પીછો કરતી હોઇ અકસ્માતના સ્થળે  પહોંચી કાર ચાલકને ઝડપી પાડયો હતો. કાર ચાલક મહિરાજસિંહ કિરણસિંહ જાદવ ( રહે.ટાંકી ફળિયા, રસેલા ગામ,તા. નાંદોદ, જિ. નર્મદા) તથા તેની સાથે કારમાં બેઠેલા ભરત હર્ષદભાઇ પટેલ (રહે. ધાનપુર ગામ,તા.રાજપીપળા,જિ.રાજપીપળા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર ચેક કરતા દારૃની બોટલ મળી આવી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, બંને આરોપીઓ કારમાં દારૃની બોટલ હોવાથી પકડાઇ જવાના ડરે ભાગ્યા હતા. વડોદરામાં તેઓ હોસ્પિટલમાં દાખલ સંબંધીની ખબર જોવા આવ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News