ફતેપુરામાં મોડીરાતે યુવક પર ઘાતક હથિયારથી હુમલો
પૈસાની લેવડ - દેવડના મુદ્દે તકરાર થતા માર માર્યો
વડોદરા,ફતેપુરા વિસ્તારમાં મોડીરાતે નાસ્તાની લારી પર ઉભેલા યુવક સાથે પૈસાના મુદ્દે તકરાર કરી ત્રણ હુમલાખોરોએ તલવાર,પાઇપ અને ધારિયાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
ફતેપુરા મેન રોડ રાબીયા મંઝીલમાં રહેતા રિક્ષા ડ્રાઇવર શાબીર હુસેનમીંયા શેખે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મોડીરાતે હું સુથાર ફળિયાના નાકા પાસે નાસ્તાની લારી પર ઉભો હતો. તે સમયે અઝહર, ઝૈન તથા જુનેદ મોપેડ તથા રિક્ષામાં આવ્યા હતા. તેઓએ મને ગાળો બોલી તું મને કેમ પૈસા આપતો નથી ? તેવું કહી ઉશ્કેરાઇને મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. અઝહરે પાઇપથી મારા પર હુમલો કરી માથામાં તથા ઘુંટણ પર ઇજા કરી હતી. ઝૈને તલવારથી મારા પર હુમલો કરી હાથ પર ઇજા પહોંચાડી હતી. જુનેદે ધારિયાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરી હતી. ત્યારબાદ ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા. જતા સમયે તેઓ મને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા. મેં બૂમાબૂમ કરતા મારો મિત્ર દોડી આવ્યો હતો અને મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો