મોડીરાતે પાણીગેટ જી.ઇ.બી. સ્ટેશન પાસે ટોળાનો સશસ્ત્ર હુમલો : બે ને ઇજા
એક કલાક અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી
વડોદરાપાણીગેટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જતા યુવક અને તેના પરિવાર પર હુમલાખોરોએ તલવાર, છરી અને લાકડીથી હુમલો કરી આતંક મચાવ્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
પાણીગેટ રાજારાણી તળાવ પાસે રહેતા અને હોટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતા હાસીમશા તસ્લીમશા દિવાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે અગિયાર વાગ્યે રાજારાણી તળાવ પાસે રહેતા બાબાભાઇ બેલીમ સાથે સાજીદ ઉર્ફે ઘેટો ઝઘડો કરતો હતો. જેથી, હું તેઓને ઝઘડો નહીં કરવા માટે સમજાવવા ગયા હતા. તે દરમિયાન સાજીદ ઉર્ફે ઘેટો મનસુરી એકદમ મારા પર ઉશ્કેરાઇ ગયો હતો. મને ગાળો બોલી તે મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. મહોલ્લાના વ્યક્તિઓએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. ત્યારબાદ હું મારા ઘરે ગયો હતો. રાતે બાર વાગ્યે હું તથા અમારા મકાનની બાજુમાં રહેતા ફિરોઝ અકબરભાઇ દિવાન, સમીર મુસ્તાકભાઇ દિવાન, રિઝવાના નાશિરભાઇ દિવાન, મારી બહેન સુહાનાબી તસ્લીમશા દિવાન તથા મારી માતા મહમૂદાબી પોલીસ સ્ટેશન ફરવા જતા હતા. તે સમયે પાણીગેટ જી.ઈ.બી. ઓફિસ પાસે સાજીદ મનસુરી, મોહસીન શેખ, નજીર કાજી, શબ્બીર મનસુરી, સાહીલ મનસુરી તથા અન્ય બે વ્યક્તિઓએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તલવાર, છરી અને લાકડી સાથે ધસી આવી હુમલો કર્યો હતો. મને તથા ફિરોઝ દિવાનને ઇજા થઇ હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પાણીગેટ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાણીગેટ પી.આઇ.એચ.એમ.વ્યાસે આ ગુનામાં સંડોવાયેલા (૧) મોહસીન જાનમહંમદ શેખ (૨) શબ્બીર અબ્દુલ સત્તાર મનસુરી (૩) નજીરહુસેન નસીરૃદ્દીન કાજી (૪) મોહંમદહુસેન અબ્દુલસત્તાર મનસુરી (૫) અબ્દુલ રઝાક સત્તારભાઇ મનસુરી (૬) મોહંમદસાજીદ ઉર્ફે ઘેટો અબ્દુલસત્તાર મનસુરી તથા (૭) મોહંમદસાહિલ મોહંમદસાદીક બાગવાલા ( તમામ રહે. રાજારાણી તળાવ પાસે, પાણીગેટ) ને ઝડપી પાડયા છે.
સંવેદનશીલ વિસ્તારમાં મારામારી થતા પોલીસ દોડી ગઇ
વડોદરા,પાણીગેટ જી.ઇ.બી. સ્ટેશન પાસેનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. ગઇકાલે મોડીરાતે સશસ્ત્ર અથડામણ થતા તંગદિલી ફેલાઇ હતી. જોકે, પાણીગેટ પોલીસને બનાવની જાણ થતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મારામારીના પગલે વિસ્તારમાં ભેગા થયેલા ટોળાને સમજાવી મામલો થાળે પાડયો હતો. આ ઝઘડો કોમી અથડામણનો નહી હોવાની સમજાવથી મામલો શાંત પડયો હતો. પોલીસની એન્ટ્રી પડતા જ હુમલાખોરો ભાગી ગયા હતા. તેઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.