હરણીના બોટકાંડનો છેલ્લો આરોપી ધર્મિન થાઇલેન્ડથી આવતાં અમદાવાદથી પકડાયો
સૂત્રધાર પરેશ શાહના પુત્ર વત્સલ સાથે સિગ્નેટરી ઓથોરિટી અને 5 ટકાનો ભાગીદાર હતો
વડોદરાઃ વડોદરાના ચકચારી હરણી બોટકાંડનો છેલ્લો આરોપી પણ ઝડપાઇ ગયો છે.ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ વડોદરા પોલીસે તેને દબોચી લીધો હતો.
૧૪ નિર્દોષોનો ભોગ લેનાર હરણી તળાવના બોટકાંડમાં વડોદરા શહેર પોલીસ કમિશનરે રચેલી સિટના અધિકારીઓએ લેકઝોનના મુખ્ય વહીવટકર્તા પરેશ શાહ, પૂર્વ ટાઉનપ્લાનર ગોપાલ શાહ,નિલેશ જૈન સહિત કુલ ૧૯આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ કેસમાં ફરાર રહેલો આરોપી ધર્મિન ધીરજભાઇ ભટાણી(જયઅંબે સોસાયટી, દીવાળીપુરા) વિદેશ હોવાની માહિતી હતી.જેથી પોલીસે તમામ એરપોર્ટને જાણ કરી હતી.ધર્મિન થાઇલેન્ડથી ગઇરાતે અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી.જેથી વડોદરા પોલીસે છેલ્લા આરોપી ધર્મિનની પણ ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે,લેકઝોનના વહીવટમાં ધર્મિન પણ પાંચ ટકાનો ભાગીદાર હતો.બોટકાંડના મુખ્ય સૂત્રધાર પરેશ શાહના પુત્ર વત્સલ શાહ સાથે ધર્મિન ભટાણી પણ સિગ્નેટરી ઓથોરિટી હતો.તેની અને વત્સલની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવનાર છે.
બેન્ક એકાઉન્ટ સીઝ થતાં ધર્મિન ફસાયો,ક્રેડિટ કાર્ડ પર પોલીસની નજર હતી
બોટકાંડની રાતે જ ધર્મિન સિંગાપોર ઉપડી ગયો અને ત્યાંથી બેંગકોક ગયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર બોટકાંડના આરોપીઓનું નાક દબાવવા માટે પોલીસે બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરતાં ચોથો આરોપી પણ પકડાયો હતો. બોટકાંડના ફરાર આરોપીઓને શોધવા માટે સિટના કન્વીનર એડિ.કમિશનર મનોજ નિનામા,ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓ દોડધામ કરતા હતા.છેલ્લા ચાર આરોપીઓ હાથમાં આવતા નહિં હોવાથી પોલીસે તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરી પ્રોેપર્ટી ટાંચમાં લેવા તજવીજ કરી હતી. જેને પગલે સૂત્રધાર પરેશ શાહના પરિવારના ત્રણ સભ્યો પકડાઇ
ગયા બાદ ધર્મિન ભટાણી પણ ઝડપાઇ ગયો છે.પોલીસ ધર્મિનના ક્રેડિટ કાર્ડની એન્ટ્રીઓ પર વોચ રાખી રહી હતી.તે સિંગાપોરથી બેંગકોક અને થાઇલેન્ડ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.