રાંધેજા પાસે કારમાંથી બીયરનો મોટો જથ્થો પકડાયો : બુટલેગર ફરાર
ગાંધીનગર જિલ્લામાં દારૃની વધતી હેરાફેરી
એલસીબીની ટીમે કારનો પીછો કરતા રૃપાલ તરફ કાર ભગાવીને ચાલક નાસી છૂટયો : ૬.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે રાધેજાથી રૃપાલ જવાના રોડ ઉપર એલસીબીની ટીમ દ્વારા કારનો પીછો કરીને ઝડપી લેવામાં આવી હતી પરંતુ તેમાં સવાર શખ્સ અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ કારમાંથી ૧૧૬૮ જેટલી બિયર જપ્ત કરીને એ૬.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના મોટા બુટલેગરો દ્વારા જે તે
વિસ્તારમાં તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે હવે ગાંધીનગર
જિલ્લામાંથી પસાર થતા દારૃ ભરેલા વાહનો પકડવા માટે પોલીસ દોડી રહી છે. ગાંધીનગર
એલસીબી ટુની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાંધેજા ચાર
રસ્તા પાસેથી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના
પગલે પોલીસથી વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને ઉભી રહેવા માટે ઈશારો કર્યો હતો.
જો કે કાર ચાલકે રૃપાલ તરફ કાર હંકારી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મીઢબે તેનો
પીછો કર્યો હતો અને રોડ સાઈડમાં આ કાર ઉતરી ગઈ હતી. જેથી તેમાં સવાર શખ્સ અંધારાનો
લાભ લઈને ભાગી ગયો હતો. પોલીસ કાર પાસે પહોંચી ત્યારે તેમાં કોઈ હાજર મળી આવ્યું ન
હતું. જોકે તારની અંદર તપાસ કરતા અલગ અલગ પેટીઓમાં બીયરની ૧૧૬૮ જેટલા ટીન મળી
આવ્યા હતા. જેથી બિયર અને કાર મળી ૬.૪૧ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરીને આ સંદર્ભે
પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ફરાર થઈ ગયેલા બુટલેગરોની શોધખોળ શરૃ કરી
છે.