રતનપુરની જમીન માલિકની જાણ બહાર બારોબાર વેચી દઇ ઠગાઇ
વડોદરાના ભેજાબાજે અન્યની જમીન જાતે જ બાનાખત કરી તે જમીન વેચી રૃા.૨૦.૫૧ લાખ લઇ પરત ન કર્યા
વડોદરા, તા.7 વડોદરા નજીક રતનપુરની જમીન માલિકને અંધારામાં રાખી બારોબાર વેચી દીધા બાદ ભેજાબાજે તે જમીન અન્યને વેચી રૃા.૨૦.૫૧ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ વડોદરાની કુંજ સોસાયટીમાં રહેતા ભેજાબાજ સામે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા-ડભોઇ રિંગરોડ પર આવેલા પુષ્પક બંગ્લોઝમાં રહેતા સંજય ગોકુલભાઇ રબારીએ વરણામા પોલીસ સ્ટેશનમાં મુકેશ કનૈયાલાલ દાલીયા (રહે.કુંજ સોસાયટી, અલકાપુરી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી અને જમીન દલાલીનું કામ કરુ છું. રતનપુર ગામની સીમમાં પ્રભાત નાનાભાઇ બારીયાની માલિકીની ૪૮૫૬ ચો.મી. જમીન નવી શરતની હતી. આ જમીન પ્રભાતની જાણ બહાર ફેબુ્રઆરી-૨૦૧૧માં મુકેશે બોગસ નોટરીવાળું બાનાખત બનાવ્યું હતું અને તેના આધારે આ જમીન મને વેચાણ આપી હતી.
આ જમીન માટે મેં મુકેશને ઓગસ્ટ-૨૦૧૪ સુધી રૃા.૧૫.૫૧ લાખ આપ્યા હતાં અને જ્યારે બાનાખત કર્યુ ત્યારે રૃા.૫ લાખ ચૂકવ્યા હતાં. આ જમીનને જૂની શરતમાં ફેરવવાની જવાબદારી મુકેશની હતી જેથી હું તે પ્રક્રિયા કરવા માટે વારંવાર કહેતો હતો. દરમિયાન જમીનના મૂળ માલિક પ્રભાતભાઇએ તે જમીન બિલ્ડર નિલેશ દિપકભાઇ દેસાઇ તેમજ અન્યને વેચી દીધી હતી. આ બાબતે બિલ્ડરે ટાઇટલ ક્લિયરન્સ આપતાં મેં વાંધો રજૂ કર્યો હતો. જો કે જમીનના મૂળ માલિકની જાણ બહાર બારોબાર જમીન વેચી દીધી હોવા અંગેની જાણ થતાં મેં મુકેશ પાસે મેં ચૂકવેલી રકમની માંગણી કરી હતી પરંતુ મુકેશ આપતો ન હતો.