Get The App

તતારપુરાની આશરે રૃા.22 કરોડની જમીન બોગસ પાવર બનાવી બારોબાર અન્યને વેચી દીધી

એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે ગુનો નોંધી માજી કોંગી નેતા સહિત પાંચની ધરપકડ કરી

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
તતારપુરાની આશરે રૃા.22 કરોડની જમીન બોગસ પાવર બનાવી બારોબાર અન્યને વેચી દીધી 1 - image

વડોદરા, તા.29 વડોદરા તાલુકાના તતારપુરા ગામની ખેતીની ૭૨ વીધા જેટલી જમીન બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે માજી કોંગ્રેસી નેતા કનુભાઇ પટેલ સહિત પાંચની ધરપકડ કરી છે.

અંકલેશ્વરના આંબોલીરોડ પર સપના સોસાયટીમાં રહેતા ફૈઝલહુસેન મખદુમ સૈયદે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મારા દાદા લતીઉદ્દીનની ૧૭૫૨૩૦ ચો.મી. જમીન તતારપુરામાં આવેલી છે. મારા દાદાનું ડિસેમ્બર ૧૯૫૬માં અવસાન થયા બાદ મારા દાદી સૈયદુન્નીસાબેગમના નામે જમીન દાખલ થઇ  હતી. આ જમીન પર મારા કાકા નુરુલહસન ખેતી કરતાં હતાં. મારા કાકાએ ઓક્ટોબર ૨૦૦૧માં અમારા વારસદારોની જાણ બહાર બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને હાલની બજાર કિમત મુજબ આશરે રૃા.૨૨ કરોડના મૂલ્યની જમીનો કનુભાઇ છગનભાઇ પટેલ (રહે.કબીર કોમ્પ્લેક્સ, મકરપુરારોડ) અને ઘનશ્યામ શનાભાઇ પટેલ (રહે.કેલનપુર)ને નોટરીવાળું બાનાખત કરી આપી કબજા પાવતી લખી આપી હતી.

મારા દાદીનું માર્ચ-૨૦૦૩માં મૃત્યુ થતાં વર્ષ-૨૦૦૩માં વારસદારોનું નામ દાખલ કરાવ્યું હતું. મારા કાકા પણ ફેબુ્રઆરી-૨૦૦૬માં મૃત્યુ પામતા કનુભાઇ અને ઘનશ્યામભાઇ બંને અમારી પાસે આવ્યા હતા અને બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. આ વખતે અમને ખબર પડી હતી કે કાકાએ અમારી જાણ બહાર બોગસ પાવર ઓફ એટર્ની કરી આપ્યુ છે. બોગસ પાવર ઓફ એટર્નીની જાણ થતાં અમે દસ્તાવેજ કરવાની ના પાડી હતી.

ત્યારબાદ કનુભાઇ અને ઘનશ્યામભાઇએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યુું હતું અને જમીનમાં દાખલ કુલ ૧૭ ખાતેદારોની બોગસ સહીઓ કરી દઇ આ જમીનોના ત્રણ અલગ અલગ દસ્તાવેજો અન્યને કરી આપી પોતે પૈસા લઇ લીધા હતાં. અમારી સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં અમે પોલીસમાં અરજી આપી હતી જેના આધારે સહીઓના નમૂના એફએસએલમાં મોકલાયા હતાં. એફએસએલ દ્વારા બોગસ સહી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે પકડેલા પાંચ આરોપીના નામ

- કનુભાઇ  છગનભાઇ પટેલ (રહે.કબીર કોમ્પ્લેક્સ, મકરપુરારોડ) ગુજરાત હાઉસિંગ બોર્ડના માજી ચેરમેન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ

- ઘનશ્યામ બાબરભાઇ પટેલ (રહે.કેલનપુર, તા.જી.વડોદરા) કેલનપુરના માજી સરપંચ

- પ્રમોદ શનાભાઇ પટેલ (રહે.હરીપુરા, કેલનપુર)

- નિલેશ ઘનશ્યામભાઇ પટેલ (રહે.કેલનપુર)

- નોટરી એમ.એસ. ચૌધરી (રહે.સુરત)


Google NewsGoogle News