લેન્ડ રેકર્ડઝના કર્મચારીઓની હડતાળ પ્રોપર્ટીકાર્ડ, જમીન માપણી તેમજ સર્વે સહિતની કામગીરી ઠપ થઇ

સરકારે પડતર માંગણીઓ તરફ ધ્યાન ના આપતા હડતાળ શરૃ ઃ તા.૩૧ સુધી લેન્ડ રેકર્ડ સહિતના કામોને અસર

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
લેન્ડ રેકર્ડઝના કર્મચારીઓની હડતાળ  પ્રોપર્ટીકાર્ડ, જમીન માપણી તેમજ સર્વે સહિતની કામગીરી ઠપ થઇ 1 - image

વડોદરા, તા.22 સિટિ સર્વે કચેરી, ડીઆઇએલઆર અને એસએલઆર કચેરીના જૂનિયર ક્લાર્ક, સિનિયર સર્વેયર, જુનિયર સર્વેયર સહિત વર્ગ-૩ના તમામ કર્મચારીઓ આજથી તા.૩૧ સુધી હડતાળ પર ઉતરી જતાં પ્રોપર્ટીકાર્ડ તેમજ જમીન માપણી અને સર્વે સહિતની કામગીરી ઠપ થઇ ગઇ છે.

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના આદેશ મુજબ આજે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લાની કચેરીના કર્મચારીઓ દ્વારા પેનડાઉનનો કાર્યક્રમ શરૃ કરી દેતાં કચેરીમાં આવતા હજારો અરજદારો અટવાઇ ગયા હતાં. વર્ગ-૩ના દરેક કર્મચારીઓ ફરજ પર આવશે પરંતુ કામથી દૂર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કર્મચારીઓના ઓચિંતા આ નિર્ણયથી હવે ૧૦ દિવસ સુધી પ્રોપર્ટીકાર્ડ, જમીન માપણી તેમજ સર્વેની કામગીરી અટકી જશે.

વડોદરામાં કોઠી કચેરી ખાતે આવેલી મુખ્ય કચેરી, શહેરની ચાર સિટિ સર્વે કચેરીઓ, સર્વે મામલતદાર, એકત્રીકરણ અધિકારીની ઓફિસ, સરદાર સરોવર યુનિટ અને ડભોઇ સિટિ સર્વે કચેરીનો સ્ટાફ આ હડતાળમાં જોડાયો છે. વડોદરાના કર્મચારીઓએ ભેગા મળીને આજે જમીન દફ્તર વિભાગના નાયબ નિયામકને વર્ષોથી સરકાર સમક્ષ બાકી પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ દ્વારા ફેબુ્રઆરી તેમજ જૂન માસમાં મુખ્યમંત્રી,  મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સેટલમેન્ટ કમિશનર તેમજ જમીન દફ્તર નિયામકને પત્ર લખી ૧૫ મુદ્દાઓ સાથેની માંગણી અંગે જણાવ્યું હતું અને જો ૨૧ દિવસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી તરફે કોઇ ધ્યાન નહી અપાતા આખરે આજથી કર્મચારીઓ આ માસના અંત સુધી હડતાળ પર ઉતરી ગયા છે.



Google NewsGoogle News