Get The App

આલમપુરમાં કલાકારની જમીન પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
આલમપુરમાં કલાકારની જમીન પચાવી પાડનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો 1 - image


જિલ્લામાં જમીન પચાવી પાડવાની વધતી ફરિયાદો વચ્ચે

ગામના ત્રણ વ્યક્તિઓ દ્વારા જમીન ઉપર ઝૂંપડું બાંધી દઈ કબજો જમાવી લેવામાં આવ્યોઃ ચિલોડા પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા આલમપુર ગામમાં ટીવી કલાકારની જમીન પચાવી પાડનાર આલમપુર ગામના ત્રણ વ્યક્તિઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થવા પામ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત ફરિયાદો વધી રહી છે ત્યારે ગાંધીનગરના સેકટર - ૭/ડી ખાતે રહેતા ટીવી કલાકાર જનક ઠક્કરની માલિકીની આલમપુર ગામની સીમના સર્વે નંબર ૩૬૫ની ૧૫૧૮ ચો.મી. જમીનમાં કોઇપણ પ્રકારનો હક્ક હિસ્સો ધરાવતા નહી હોવા છતાં ગેરયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડતા ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટીવી કલાકાર જનક ઠક્કરનાં પિતા જશવંત ભાઈનું ફેબ્આરી - ૨૦૨૪માં અવસાન થઈ ચૂક્યું છે. સ્વર્ગસ્થ જશવંતભાઈએ વર્ષ - ૨૦૧૦ માં આ જમીન ફુલાજી વજાજી ઠાકોર વિગેરે પાસેથી વેચાણ રાખી હતી. બાદમાં આ જમીન તેઓએ નાના પુત્ર જનકનાં નામે લખી આપવામાં આવી હતી.આ જમીન પર માર્ચ - એપ્રિલ - ૨૦૨૩ દરમ્યાન જનક ગયો હતો તે વખતે જમીન ઉપર કાચું છાપરું બાંધીને આલમપુર ગામના રાઘાજી બાપુજી સોલંકી, રણજીતજી બાપુજી સોલંકી તથા સરદારજી બાપુજી સોલંકીએ ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હોવાનું માલુમ પડયું હતું. જેથી ત્રણેય જણાને જમીન ખાલી કરવાનું કહેતા ગાળો બોલવા માંડયા હતા. જેનાં પગલે તેમણે જીલ્લા કલેક્ટરની કચેરી ગાંધીનગર ખાતે લેન્ડ ગ્રેબીગની અરજી આપી હતી. તેમ છતાં ઉપરોક્ત ત્રણે જણાએ જમીનમાં સીમેન્ટની ઈટોનું મકાન બનાવી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. ત્યારે સીટની તપાસનાં અંતે કલેકટરનાં હુકમથી ચીલોડા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ ડેઠળ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જેના આધારે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News