Get The App

લેન્ડ ગ્રેબિંગના ગુનામાં અમદાવાદના તિરુપતિ એસ્ટેટના ભગુ પટેલની ત્રણ વર્ષે ધરપકડ

દિવસે બહાર ફરતાં અને રાત્રે ફાર્મહાઉસમાં આવીને રહેતાં હતાં ઃ પોલીસે ત્રણ દિવસ વોચ રાખી ઝડપી પાડયા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
લેન્ડ ગ્રેબિંગના ગુનામાં  અમદાવાદના તિરુપતિ એસ્ટેટના ભગુ પટેલની ત્રણ વર્ષે ધરપકડ 1 - image

વડોદરા, તા.7 વડોદરા નજીક પોર રમણગામડી પાસેની કિંમતી જમીન પચાવી પાડવાના ત્રણ વર્ષ પહેલાંના ચકચારભર્યા પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયા બાદ ત્રણ વર્ષથી ફરાર અમદાવાદના તિરુપતિ એસ્ટેટના માલિકને તેમના ફાર્મહાઉસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રી ટેનામેન્ટમાં રહેતાં મહેન્દ્ર કાંતિભાઇ પટેલે વર્ષ-૨૦૧૯માં પોર પાસે ૫૮૬૮ ચો.મી. જમીન વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. થોડા દિવસો બાદ એક વ્યક્તિએ મહેન્દ્રભાઇ પટેલને ધમકી આપી હતી કે ભગુભાઇ પટેલે આ જમીન રાખી છે અને તેમની પાસે લખાણ છે તે તમને શાંતિથી જીવવા નહી દે. બાદમાં ભગુભાઇના માણસોએ જમીન પર જબરજસ્તી કબજો કરી લેતાં આ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ભગુભાઇ સહિત આઠ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો હતો.

આ ગુનામાં અમદાવાદના પાલડી વિસ્તારમાં શારદાનગર ખાતે રહેતાં ભગુભાઇ માવજીભાઇ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતાં. દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ભગુભાઇને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ ધરપકડથી બચવા માટે તેઓ દિવસે બહાર ફરતા હતા અને રાત્રે ઘરના  બદલે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સિંઘુભવનની પાસે ચણીયા ફાર્મહાઉસમાં આવીને ઊંઘતા હતાં તેવી માહિતીના આધારે પોલીસની એક ટીમે ત્રણ દિવસ વોચ ગોઠવીને આખરે ભગુભાઇ પટેલને ઝડપી પાડયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે જમીન લે-વેચનો વેપાર કરતાં ભગુભાઇ પટેલ અસલાલી વિસ્તારમાં તિરુપતિ એસ્ટેટના નામે વેપાર કરે છે તેમજ વડોદરા નજીક સરાર ગામે ૧૫૦ વીઘા જેટલી જમીન પણ છે.




Google NewsGoogle News