લેન્ડ ગ્રેબિંગના ૨૯ કેસોમાંથી ૨૭ કેસો દફ્તરે કરી દેવાયા
માત્ર એક કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો કમિટિનો નિર્ણય
વડોદરા, તા.6 ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળની કમિટિની તાજેતરમાં મળેલી બેઠકમાં રજૂ થયેલા કુલ ૨૯ કેસો પૈકી ૨૭ કેસોને દફ્તરે કરી દેવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પાડવા અંગે સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ વડોદરામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષમાં રેવન્યૂ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે. સમયાંતરે આ કમિટિની બેઠક મળતી હોય છે અને લેન્ડ રેવન્યૂ અંગે આવતા કેસોની સમીક્ષા થતી હોય છે.
તા.૪ના રોજ તાત્કાલિક અસરથી લેન્ડ ગ્રેબિંગની મિટિંગ મળી હતી આ બેઠકમાં કુલ ૨૯ કેસો રજૂ કરવામાં આવ્યા હતાં. આ કેસોની સમીક્ષા બાદ ૨૭ કેસો દફ્તરે કરવાનું નક્કી કરાયું હતું જ્યારે એક કેસને પુનઃ તપાસ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. માત્ર એક કેસમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.