કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આગ લાગતા પહેલાં જૂની કોઠી કચેરીને મેકઅપના નામે લાખો રૃપિયાનો ધૂમાડો કરાયો
મરામત જ્યાં કરવાની હતી ત્યાં કરી નહી અને રંગરોગાન તેમજ ફ્લોરિંગના નામે કામો બતાવ્યા
વડોદરા, તા.21 વડોદરાની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી જૂની કોઠી કચેરીમાં લાગેલી આગ બાદ આ કચેરીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ચાલું મરામતનું કામ વિવાદમાં ઘેરાયું છે. જે કામ માટે ખર્ચની જરૃર જ ના હોય તે કામ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી લાખો રૃપિયાનો ધૂમાડો કર્યા બાદ હવે આગના પગલે ફરીથી ખર્ચ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ઉલ્લેખનીય છે કે જૂની કોઠી કચેરીમાં તા.૧૩ના રોજ લાગેલી ભીષણ આગમાં ખાસ જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીનો અનેક રેકર્ડ નાશ પામ્યો હતો. આ આગની ઘટના બાદ આ જૂની ઇમારતમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રંગરોગાન સહિતના કામો વિવાદમાં આવ્યા છે. ગાયકવાડી સમયની મજબૂત ઇમારતને રંગરોગાન તેમજ ફ્લોરિંગ કરવાના નામે લાખો રૃપિયાનો ખર્ચ પાડવામાં આવ્યો છે. થોડા સમય બાદ કલેક્ટર કચેરી નવી બિલ્ડિંગમાં શિફ્ટ થવાની હોવા છતાં આખી બિલ્ડિંગમાં રંગરોગાન કરવામાં આવ્યું હતું.
જૂની બિલ્ડિંગમાં જ દાદરો તૂટી ગયા હોવાથી અનેક લોકો પડવાના બનાવો બનતા હોવા છતાં તે દાદરોનું રિપેરિંગ કામ થયું નથી અને જૂની કચેરીને મેકઅપ કરવાના કામને પ્રાધાન્ય આપવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર યુ.સી. પટેલને આ અંગે પૂછતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. આંખે ઊડીને વળગે તેવો બિનજરૃરી ખર્ચ ખરેખર કલેક્ટર કચેરીમાં આવતા લોકો માટે કરવાના બદલે માત્ર ખર્ચ બતાવવા માટે જ કામ કર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે તેમ આજે કલેક્ટર કચેરીના સ્ટાફમાં પણ ગણગણાટ થવા લાગ્યો હતો.
કલેક્ટર કચેરીમાં આવતા નાગરિકો માટે વોશરૃમની સુવિદ્યા પણ નથી
વડોદરાની કલેક્ટર કચેરીમાં રોજે રોજ હજારો લોકોની અવરજવર હોય છે પરંતુ નાગરિકોની સુવિદ્યાના નામે મીંડું છે. કલેક્ટર કચેરીમાં આવતા નાગરિકો માટે વોશરૃમની પણ કોઇ સગવડ નથી. સ્ટાફ માટે જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ યોગ્ય નથી અને નિયમિત સાફસફાઇ થતી નથી. ખરેખર નાગરિકોની સુવિદ્યા વધારવાના બદલે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો ખર્ચા કેવી રીતે પાડવા તેના હિસાબોમાં પડયા રહે છે.