અબુબકર અને એઝાઝહુસેનનું આર્થિક કૌભાંડ બે મજૂરોના બેંક એકાઉન્ટોમાં ભેજાબાજોની લાખોની લેવડદેવડ
દાહોદના સિંગવડ ગામના બે મજૂરોને કૌભાંડીઓએ સુપરવાઇઝર બનાવવાની લાલચ આપી બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતાં
દાહોદ તા.૧૭ નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુબકર આણી મંડળીએ સિંગવડ ગામના પ્લમ્બિંગ કામ કરતા બે મજૂરોને ગેરમાર્ગે દોરી તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી બારોબાર રૃા.૪૫.૦૮ લાખથી વધુ રકમની લેવડ દેવડ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ અંગે અબુબકર અને એઝાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નકલી કચેરી કૌભાંડમાં આથક વ્યવહારો અંગેની તપાસમાં પણ તેજી આવી છે.
દાહોદ તાલુકાના જાલીયાપાડા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ચંપકલાલ કાંતિલાલ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એક વર્ષ અગાઉ અબુબકરની ટોળકી દ્વારા થતાં બોર અને કૂવાના કામો હું કરતો હતો ત્યારે મારી ઓળખાણ અબુબકર અને એઝાઝ સાથે થઇ હતી. આ વખતે અબુબકર અને એઝાઝહુસૈન સિંચાઈના કામોની વિઝીટ કરવા આવતા હતા અને બંનેએ મને તેમજ મારા પિતરાઇ ભાઇ મેહુલને તમને સિંચાઈ વિભાગના કામોના સુપરવાઇઝર બનાવવાના છે તેવી લાલચ આપી અમારા ફોટા તેમજ ડોક્યૂમેન્ટ સાથે વડોદરા બોલાવ્યા હતા.
ત્યારબાદ અમે વડોદરા પહોંચતા અબુબકર અને એઝાઝહુસૈન સાથે મુલાકાત થતા બંનેએ જણાવ્યું હતું કે અમો તમને સુપરવાઇઝર બનાવીએ પરંતુ તમારા બેન્ક એકાઉન્ટ ખોલાવવા પડશે તેમ કહી બધા ડોક્યૂમેન્ટ લીધા હતા અને ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતા એક બહેનને તેમની ઓફિસ બોલાવી ફોર્મ ભરાવી સહિ કરાવી અંગૂઠાના નિશાન લઈ ખાતું ખોલાવ્યું હતું. બે અઠવાડિયા પછી અમે એઝાઝ સૈયદને ફોન કરી અમારી બેંકની પાસબુક, એટીએમ કાર્ડ તેમજ ચેકબુક માટે પૂછતા તેઓએ હજી સુધી આવી નથી તેમ જણાવ્યું હતું.
નવેમ્બર માસમાં છોટાઉદેપુર પોલીસ મારા ઘરે આવી હતી અને સમગ્ર કૌભૉંડની જાણ થયા બાદ હું તેમજ મારો કુટુંબી ભાઈ મેહુલ બન્નેએ કોટક મહિન્દ્રા બેન્કમાં જઈ ખાત્રી કરતા એકાઉન્ટમાં મારા મોબાઈલ નંબરના બદલે તેઓના મોબાઈલ નંબર લખી ખાતું ખોલાવેલ હતું અને તેમાં અમારી જાણ બહાર ખાતામાં લાખો રૃપિયાની નાણાંની લેવડદેવડ કરી હોવાનું માલુમ પડયુ હતું.
અબુબકર સૈયદ તેમજ એઝાઝહુસૈન દ્વારા બેંક એકાઉન્ટમાંથી રૃા.૨૩.૪૦ લાખ તથા બીજા એકાઉન્ટમાંથી રૃા.૨૮.૪૬ લાખમાંથી રૃા.૨૧.૬૭ લાખ જેટલી માતબર રકમ ગેરકાયદે મેળવી સરકારી નાણાંની લેવડ-દેવડ કરી અમારા બેંક ખાતાનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું જણાયું હતું. ઉપરોક્ત વિગતો અંગે પોલીસે નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અબુબકર સૈયદ તેમજ એઝાઝ હુસેન સૈયદ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.