તૂટેલા દાદર રિપેરિંગ કરાતા નથી જૂની કોઠી કચેરીમાં જરૃર ના હોવા છતાં લાખોનું રંગરોગાન
લાકડાના મજબૂત ફ્લોરિંગ પર નવી સીટો નાંખી આરએન્ડબીએ ખર્ચા બતાવ્યા
વડોદરા, તા.20 માર્ગ અને મકાન વિભાગ દ્વારા જૂની કોઠી બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં રંગરોગાન સહિતનું કામ તાજેતરમાં કરવામાં આવ્યું હતું અને હજી પણ થોડું કામ બાકી હતું.
ઉલ્લેખનીય છે કે જૂની કોઠી કચેરીનો મોટો ભાગ લાકડાની બનાવટનો છે. તેના ફ્લોરિંગ પણ લાકડાના છે પરંતુ મજબૂત છે. તાજેતરમાં આ ફ્લોરિંગ મજબૂત હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર ખર્ચા પાડવા માટે ફ્લોરિંગ પર નવી સીટો નાંખી દેવામાં આવી હતી જ્યારે બીજા માળેથી નીચે ઉતરવા માટેના લાકડાના દાદર ઘણા સમયથી તૂટી જવાથી અનેક લોકો પટકાતા હોય છે તેને રિપેર કરવાની તસ્દી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવાઇ નથી.
મહત્વની બાબત એ છે કે થોડા સમયમાં રેવન્યૂને લગતી મોટાભાગની કચેરીઓ જે આ બિલ્ડિંગમાં છે તે નવી કલેક્ટર કચેરીમાં શિફ્ટ થવાની હોવા છતાં આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આગની ઘટના કેમ બની તે અંગે હજી પણ રહસ્ય છે.