વડોદરામાં તળાવોની સફાઈ ઝુંબેશ શરૂ : હરણી, દશામાં અને ગોત્રી તળાવમાં ગંદકીની સફાઈ હાથ ધરાઈ
વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર
સ્માર્ટ સિટી વડોદરાના વિવિધ વિસ્તારની શોભા વધારતા જુદા જુદા તળાવ સહિત આસપાસના વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં પ્રાથમિક તબક્કે ઉત્તર વિભાગમાં આવેલું હરણી તળાવ, ગોરવાનું દશામાં તળાવ અને ગોત્રી વિસ્તારના તળાવ સહિત તેની આસપાસની સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરના ઉત્તર વિભાગમાં આવેલા હરણી તળાવમાં પાણીના જંગલી વેલા ઠેર ઠેર ઉગી નીકળ્યા છે ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ ગંદકી વ્યાપી છે આવી જ રીતે ગોરવા વિસ્તારના દશામાં તળાવમાં પણ પાણીજન્ય જંગલી વેલ ઉગી જતા તળાવનું પાણી ક્યાંય દેખાતું નથી.
એવી જ રીતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી તળાવ ખાતે પણ જંગલી વેલના થર જામ્યા છે અને તળાવ આસપાસ ગંદકી વ્યાપી છે જેથી માનવ સ્વાસ્થ્યને અસર થવાની શક્યતા નકારી શકાતી નથી.
જેથી મહાનગરપાલિકા દ્વારા આ તમામ તળાવની સફાઈ સહિત પાણીજન્ય જંગલી વેલા દૂર કરવાની કામગીરી અને તળાવો આસપાસ ની ગંદકી દૂર કરવાની કાર્યવાહી નવા વર્ષના પ્રારંભે શરૂ કરવામાં આવી છે. આવો જ કાર્યક્રમ આગામી દિવસોમાં અન્ય તળાવ માટે પણ કરાય એવી શક્યતા નકારી શકાતી નથી. પરિણામે સ્માર્ટ સિટી વડોદરાની શોભામાં વૃદ્ધિ થશે.