વેમાલીમાં રહેતી ૩૦ વર્ષની મહિલા ફિઝિયો થેરાપ્સિટે અટલ બ્રિજ પરથી પડતું મૂકી આપઘાત કર્યો
અટલ બ્રિજના સીસીટીવીમાં મહિલા ચાલતી જતી દેખાઇ : પતિ, સાસુ અને સસરા અમેરિકા રહે છે
વડોદરા.વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતી ૩૦ વર્ષની મહિલા ફિઝિયો થેરાપિસ્ટે ગઇકાલે રાતે અટલ બ્રિજ પરથી નીચે પડતું મૂકી દેતા ગંભીર ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આપઘાતનું કારણ જાણવા માટે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતા ૩૦ વર્ષના ઇસ્પાબેન તુષારભાઇ દલાલ ફિઝિયો થેરાપિસ્ટ હતા. ગઇકાલે રાતે ઘરેથી નીકળ્યા પછી મોડી રાતે પોણા અગિયાર વાગ્યે અટલ બ્રિજ ગેંડા સર્કલ નજીક ઉપરથી તેણે નીચે પડતું મૂક્યું હતું. જેના કારણે ઇસ્પાને ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, મોડીરાતે પોણા એક વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગોરવા પોલીસે બનાવ અંગે મૃતકના મૃતદેહનું પી.એમ. કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્પાના પતિ અને સાસુ, સસરા અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેના પતિને અમેરિકાથી આવતા સમય જાય તેમ હોઇ તેના પિયર પક્ષને સોંપી દેવામાં આવી હતી. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પોલીસને મહિલા પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. મહિલાનો આપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ થિયરીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવીમાં મહિલા અટલ બ્રિજ પરથી ચાલતી જતી દેખાઇ
વડોદરા,ગોરવા પોલીસે અટલ બ્રિજ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચાલતી જતી દેખાય છે. તેની આગળના સીસીટીવી ઉપ્લબ્ધ ન હોય પોલીસે તે સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની શોધખોળ શરૃ કરી છે. તેઓની પૂછપરછ પછી સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા છે. મહિલા ઘરેથી કોઇ વાહન લઇને નીકળી હોવાની શક્યતા છે. પરંતુ, પોલીસને હજી તે વાહન મળ્યું નથી.
માત્ર આઠ મહિના પહેલા જ એન.આર.આઇ. સાથે લગ્ન થયા હતા
વડોદરા,ઇપ્સાનો પરિવાર મૂળ દાહોદના વતની છે. પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વડોદારમાં સ્થાયી થયા છે. માત્ર આઠ મહિના પહેલા તેના લગ્ન એન.આર.આઇ. દર્શિત રાજેશભાઇ પરીખ સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી દર્શિત અને તેના માતા - પિતા અમેરિકા પરત જતા રહ્યા હતા.ઇપ્સા તેની માતા સાથે જ રહેતી હતી. અમેરિકા જવા માટે તેની પ્રોસેસ ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘરેથી સાડા છ કિલોમીટર દૂર ગેંડા સર્કલ પર જઇને પડતું મૂક્યું
વડોદરા,ઇપ્સા માતાને કોફી પીવા જઉં છું. તેવું કહીને ઘરેથી રાતે ૧૦ વાગ્યે ચાલતી નીકળી હતી. તેના ઘરેથી ગેેડા સર્કલનું અંતર અંદાજે ૬.૫ કિલોમીટર થાય છે. ઘરેથી ત્યાં ચાલતા પહોંચતા તેને સામાન્ય સંજોગોમાં દોઢ કલાક થાય. પરંતુ, તેણે પોણા અગિયારે ગેંડા સર્કલ પરથી નીચે પડતું મૂક્યું હતું. જેથી, ઘરેથી આટલે દૂર તે ચાલતી આવે તેવી શક્યતા નથી. ઘરેથી અટલ બ્રિજ તે કઇ રીતે આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેના ઘર નજીકના તેમજ ઘરથી અટલ બ્રિજ સુધીના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ચકાસી રહી છે.
લગ્ન પછી ફિઝિયોથેરાપિસ્ટ તરીકેનું કામ બંધ કરી દીધું હતું
વડોદરા,પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિઝિયો થેરાપિસ્ટ તરીકે કામ કરતી ઇસ્પાએ લગ્ન પછી ફિઝિયોથેરાપિસ્ટનું કામ પણ છોડી દીધું હતું. તે ઘરે જ રહેતી હતી. તેના પિતા મુંબઇમાં એક કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેનો ભાઇ બેંગ્લોરમાં નોકરી કરે છે. ઇસ્પા તેની માતા સાથે વડોદરામાં જ રહેતી હતી. તેના પતિ અને સાસુ - સસરા માત્ર લગ્ન માટે જ વડોદરા આવ્યા હતા અને લગ્નના ૧૫ દિવસ પછી તેઓ પરત અમેરિકા જતા રહ્યા હતા.
સૌ પ્રથમ તેની માતાને કોલ કરીને બનાવની જાણ કરાઇ હતી
ઇસ્પાએ ૪૫ ફૂટ ઉંચેથી નીચે પડતું મૂક્યું
વડોદરા,મોડીરાતે અટલ બ્રિજ પરથી ઇસ્પાએ પડતું મૂકતા લોકો ટોળે વળ્યા હતા. તે સમયે ઇસ્પા ભાનમાં હતી. તેનો મોબાઇલ ફોન તૂટી ગયો હતો. પરંતુ, તે ભાનમાં હોઇ એક રાહદરીએ તેની માતાને કોલ કરીને બનાવની જાણ કરી હતી. ત્યારબાદ ઇસ્પાને અર્ધ બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઇસ્પાનો મોબાઇલ ફોન તેની માતા પાસે છે. જે હજી રિકવર કરવાનો બાકી છે. તેના મોબાઇલ પરથી છેલ્લે કોને મેસેજ કરવામાં આવ્યો ? કોને મેસેજ કરવામાં આવ્યો ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે, ઇસ્પાએ ૪૫ ફૂટ ઉંચેથી નીચે પડતું મૂક્યું હતું.