લેડી કોન્સ્ટેબલ મણી ચૌધરીનો ડીસાથી પત્તો મળ્યો ઃ જાતે જ ગઇ હોવાની કેફિયત
બીમાર માતાને મળવા જાતે જ ગઇ હોવાનું પોલીસને નિવેદન ઃ મણીબેનને તેના પતિ સદ્દામને સોંપાઇ
ડભોઇ તા.૨૬ ડભોઇ તાલુકાના મોટાહબીપુરા ગામમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી અપહરણ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. મણીબેન મળ્યા બાદ તેણે આપેલા નિવેદનમાં માતાની તબિયત સારી ન હોવાથી તેને મળવા પતિને કહ્યા વગર જતી રહી હતી તેમ પોલીસને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહિલા કોન્સ્ટેબલનું ૧૦થી ૧૫ શખ્સોએ માર મારી
અપહરણ કર્યુ હોવાની ફરિયાદ તેના પતિ સદ્દામ સિકંદર ગરાસીયાએ ડભોઇ પોલીસમાં નોંધાવી
હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા અપહરણકારો તેમજ મણીબેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી
અને ફરિયાદના છ દિવસ બાદ મણીબેનને જિલ્લા પોલીસે શોધી કાઢી હતી. પોલીસે ડીસામાંથી મહિલા કોન્સ્ટેબલને શોધી
તેનું નિવેદન લેતા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મારી માતાની તબિયત ખરાબ હોવાથી
મારા પતિ સદ્દામ અને સાસરીવાળાને કહ્યા વગર મેં પરિવારને મોટાહબીપુરા બોલાવ્યા હતા
અને તેઓની સાથે ચાલી ગઈ હતી.
મોટાહબીપુરા ગામે રહેતા સદ્દામે અગાઉ ડભોઇ પોલીસમાં ફરજ બજાવતી
મણીબેન ચૌધરી સાથે મૈત્રીકરાર કર્યા ત્યારે પ્રથમ વખત તેનુ અપહરણ થયું હતું ત્યારબાદ
ફરી બીજી વખત ડેસર તાલુકામાં ફરજ દરમિયાન અપહરણ થયું હતું. બંને વખત પોલીસે
મણીબેનને શોધી સદ્દામને સુપરત કરી હતી. બાદમાં મણીબેન ચૌધરીએ સદ્દામ સાથે કાયદેસર
તા.૧૦ નવેમ્બરના રોજ વિધિવત લગ્ન કરી લીધા હતા. મણીબેન ચૌધરીનો પત્તો લાગ્યા બાદ
તેને ડભોઇ લાવવામાં આવી હતી અને તેની પૂછપરછ બાદ પતિના ઘેર જવાની ઇચ્છા વ્યક્ત
કરતાં તેના પતિ સદ્દામને સુપરત કરવામાં આવી
હતી.