ટ્રેનમાં ઊંઘી ગયેલી મહિલાના દાગીના તેમજ રોકડની ચોરી
મોટું પર્સ ખોલ્યું તો અંદરથી દાગીના અને રોકડ મૂકેલ નાનું પર્સ ગાયબ હતું
વડોદરા, તા.17 જલંધરમાં પુત્રને મળીને પરત જતી માતા ટ્રેનમાં ઊંઘી ગઇ ત્યારે કોઇ ગઠિયો તેમના પર્સમાંથી સોનાની ચેન તેમજ રોકડ મૂકેલ નાનું પર્સ તફડાવી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં જુમકી પૂર્વમાં રહેતા તપનકુમાર વિજયક્રિષ્ણા જાના મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તેમનો પુત્ર જલંધર રહેતો હોવાથી તેઓ પત્ની અને ભાઇ સાથે પુત્રના ઘેર રહેવા માટે જલંધર ગયા હતાં. જલંધરથી તેઓ અમૃતસર-કોચીવલી એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પરત ઘેર જવા નીકળ્યા હતાં.
ટ્રેન રાત્રે કોટા રેલવે સ્ટેશન પરથી ઉપડયા બાદ ત્રણે ઊંઘી ગયા હતાં અને સવારે વડોદરા રેલવે સ્ટેશન આવ્યું ત્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા હતાં આ વખતે એક ભિખારીએ પૈસા માંગતા તપનકુમારે પત્નીને રૃા.૫ આપવા કહેતા તેમણે પર્સ ખોલ્યું તો અંદર મૂકેલ નાનું પર્સ ગાયબ હતું. પર્સમાં રૃા.૧ લાખ કિંમતની સોનાની ચેન અને રૃા.૯૨૦૦ રોકડ હતાં. આ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.