Get The App

મહિલાનું પર્સ આંચકી ચાલુ ટ્રેનમાંથી ગઠિયો કૂદી ગયો

રોકડ, સોનાના દાગીના અને મોબાઇલ સહિત રૃા.૧.૩૧ લાખની તફડંચી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
મહિલાનું પર્સ આંચકી ચાલુ ટ્રેનમાંથી ગઠિયો કૂદી ગયો 1 - image

વડોદરા, તા.6 રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાનું સોનાના દાગીના, રોકડ અને મોબાઇલ મૂકેલું પર્સ આંચકી વડોદરા રેલવે સ્ટેશન પાસે ચોર ભાગીને ચાલુ ટ્રેનમાંથી કૂદી ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના બાલી તાલુકાના કોટબારીયન ખાતે રહેતાં તેમજ કેટરર્સનો ધંધો કરતાં વિનોદ નારણલાલજી સેન પત્ની સીમા અને નાના ભાઇ લાડુ સાથે ફાલના રેલવે સ્ટેશનેથી રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી બોરીવલી રેલવે સ્ટેશન જતા હતાં. ટ્રેન મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન યાર્ડમાં આવતા ધીમી પડી હતી અને કોચની લાઇટો પણ બંધ હતી.

ટ્રેનના કોચમાં કેટરર્સની પત્ની ઊંઘતી હતી ત્યારે માથા પાસે રાખેલ થેલામાંથી એક પર્સ કાઢી સફેદ કપડાં પહેરેલ શખ્સ આંચકી ભાગ્યો હતો. આ વખતે પત્નીએ ચોર.. ચોર..ની બૂમાબૂમ કરતાં પર્સ લઇને ગઠિયો ચાલુ ટ્રેનમાંથી કૂદીને ફરાર થઇ ગયો  હતો. પર્સમાં રોકડ રૃા.૪૫  હજાર, માથામાં પહેરવાની રખોડીબોટ બે નંગ અને સોનાની ચેન મળી કુલ રૃા.૧.૩૧ લાખનો મુદ્દામાલ હતો. આ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News