Get The App

કરજણ-આમોદરોડના કામમાં સેફ્ટીના નિયમોનો અભાવ ઃ એસઓ ગેરહાજર

ડામર, કપચી મટિરિયલના કેટલાંક ડમ્પરો પાસેની પાવતીમાં અધૂરી વિગતો ઃ સેફ્ટીના સાધનો વગર જ ચાલતું કામ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
કરજણ-આમોદરોડના કામમાં સેફ્ટીના નિયમોનો અભાવ ઃ એસઓ ગેરહાજર 1 - image

વડોદરા, તા.28 વડોદરા જિલ્લામાં કરજણ નગરને નેશનલ હાઇવે સાથે જોડતા બ્રિજ તેમજ ખરબચડા આમોદ રોડના ચાલતા કાર્પેટિંગના કામમાં સેફ્ટીના અનેક નિયમોનો ભંગ થતો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. મહત્વની વાત એ છે કે સ્થળ પર એન્જિનિયરની હાજરી પણ હોતી નથી.

ઉલ્લેખનીય છે કે કરજણ-આમોદ વચ્ચે આશરે  છેલ્લા ઘણા સમયથી ખખડધજ થઇ ગયેલા ૧૬ કિલોમીટર લાંબા રોડનું રૃા.૧૨ કરોડના ખર્ચે રિસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે. આ રોડ માટે આવતા કપચી અને ડામરનું મટિરિયલ છેક દુમાડથી આવે છે અને કેટલીક વખત ડમ્પરો પાસે કાચી પાવતી હોય છે એટલું જ નહી પરંતુ પાકી પાવતી હોય તો તેમાં એન્જિનિયરની પણ સહી હોતી નથી.

આજે કરજણ પાસેના બ્રિજ પર કાર્પેટિંગનું કામ હાથ ધરાયું  ત્યારે સંખ્યાબંધ વાહનચાલકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ  જ્યાંથી શરૃ થાય અને પૂર્ણ થાય તે સ્થળે સંપૂર્ણ વિગતો સાથેનું બોર્ડ લગાવવાનું હોય છે પરંતુ તેનો પણ કોઇ અમલ થતો નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદા તેમજ ટેન્ડરમાં દર્શાવેલ નિયમોનું પાલન નહી થતું હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે મોટી રકમનું કામ ચાલતું હોવા છતાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર (એસઓ)ની સ્થળ પર હાજરી હોવી જોઇએ તેના બદલે કોઇ હાજર રહેતું નથી. આ અંગે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર નૈનેશ એમ. નાયકાવાલાનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડયો ન  હતો.




Google NewsGoogle News