હોસ્પિટલ, હોટલ અને રિસોર્ટમાં નિયમો, સુરક્ષાના સાધનોનો અભાવ
એક સપ્તાહની ઝૂંબેશમાં ૧૧૨૪ એકમો ચેક કરાયા ઃ પ્રથમ નોટિસો અપાશે બાદમાં સીલની કાર્યવાહી કરાશે
વડોદરા, તા.13 રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા જિલ્લામાં ચાલતા વિવિધ ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક એકમોમાં સુરક્ષા સંબંધિત સાધનો ઉપરાંત વિવિધ મંજૂરીઓ છે કે નહી તેની તપાસણી માટેની ઝુંબેશ દરમિયાન ૧૧૩ એકમોમાં ખામી જણાઇ હતી. આ એકમોને નોટિસો આપ્યા બાદ તંત્ર દ્વારા હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વિવિધ વિભાગોની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા બાંધકામ પરવાનગી, ફાયર એનઓસી સહિત કુલ ૧૨ જેટલાં મુદ્દાઓની ખરાઇ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય, પાદરા, કરજણ, શિનોર, ડભોઇ, વાઘોડિયા, સાવલી, ડેસર તાલુકામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તા.૬ જૂનથી શરૃ કરવામાં આવેલી આ ઝૂંબેશ તા.૧૪ સુધી ચાલવાની છે જેમાં તંત્ર દ્વારા કુલ ૧૧૨૪ એકમો ચેક કરાયા હતા અને ૧૧૩ એકમોમાં સુરક્ષાને લગતા સાધનો તેમજ નિયમોનો ભંગ થતો હોવાનું જણાયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્યોગો, સિનેમા, ધાર્મિક સ્થળો, શાળાઓ, ક્લાસિસ, હોસ્પિટલ, ગેમિંગ ઝોન, હોટલ, રિસોર્ટ, ફૂડ ઝોન, જીમ, ફેસ્ટિવલ, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટિ હોલ, પેટ્રોલપંપ, સીએનજી પંપ, ગેસ ગોડાઉન તેમજ નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સૌથી વધારે ખામીઓ હોસ્પિટલો તેમજ હોટલ, રિસોર્ટોમાં જોવા મળી હતી. ૫૭ ચેક કરેલી હોસ્પિટલોમાં ૨૭માં અનેક ખામીઓ જણાઇ હતી તેવી જ રીતે ૧૧૨ હોટલ, રિસોર્ટ ચેક કર્યા તેમાં ૪૦માં ખામીઓ હોવાના રિપોર્ટ કરવામાં આવ્યા છે.