Get The App

નવી કલેક્ટર કચેરીમાં ફાઇલોના પોટલા સાચવવા યોગ્ય રેકર્ડરૃમનો અભાવ

જેપીરોડ ખાતે નવી કલેક્ટર કચેરી કાર્યરત ઃ ડીએસઓ, ચૂંટણી શાખાને શિફ્ટ થતાં બે-ત્રણ દિવસ લાગશે

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
નવી કલેક્ટર કચેરીમાં ફાઇલોના પોટલા સાચવવા યોગ્ય રેકર્ડરૃમનો અભાવ 1 - image

વડોદરા, તા.4 નવી કલેક્ટર કચેરી શરૃ થતાની સાથે જ મહેસૂલને લગતા જૂના રેકર્ડની ફાઇલો ક્યાં સાચવવી તેવા પ્રશ્નો ઊભા થયા છે. કોઠી કચેરી ખાતેથી ફાઇલોના પોટલાં લઇ જવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે પરંતુ નવી કચેરીમાં રેકર્ડ માટે યોગ્ય વ્યવસ્થા નહી  હોવાની બૂમો ઊઠી છે.

ઉલ્લેખનીય છે કે રૃા.૨૨ કરોડના ખર્ચે જેપીરોડ ખાતે નવી કલેક્ટર કચેરીનું ગઇકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ આજથી જ નવા સ્થળે કચેરીનું કામકાજ શરૃ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર, આરએસીએ આજથી જ નવી કચેરીમાં બેસવાનું શરૃ કરી દીધું હતું. આ સાથે જ જમીન સુધારણા, બિનખેતી કચેરી પણ કાર્યરત થઇ ગઇ હતી. જો કે જિલ્લા પુરવઠા અધિકારી, ચૂંટણીશાખાની કચેરી હજી શિફ્ટ થઇ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહે ત્રણ રજાઓ હોવાથી તે સમય દરમિયાન અંતિમ કામગીરી પૂર્ણ થયા બાદ આવતા સપ્તાહથી ફાળવેલી તમામ કચેરીઓ નવા કાર્યસ્થળે શરૃ થઇ જશે. દરમિયાન આજે પણ જૂની કલેક્ટર કચેરીની વિવિધ કચેરીઓમાંથી ફાઇલો તેમજ તિજોરીઓ નવી કચેરીમાં ખસેડવાની કામગીરી ચાલુ રહી હતી. નવી કલેક્ટર કચેરી શરૃ થઇ તે પહેલાં જે કર્મચારીઓએ કચેરીનું નિરિક્ષણ કર્યું હતું તેઓ પહેલેથી જ એમ કહેતાં હતાં કે જૂનો રેકર્ડ સાચવવા માટેની જગ્યા ઓછી પડશે.

નવી કલેક્ટર કચેરીમાં તમામ રૃમો તેમજ ઓફિસો વિવિધ વિભાગોને ફાળવી દેવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં નવી કોઇ કચેરી શરૃ કરવાની થાય તો તેના માટે કોઇ જગ્યા નથી. આજે પ્રથમ દિવસે જ આરટીએસના કેસો નવી કલેક્ટર કચેરી ખાતે ચલાવવાની મંજૂરી કલેક્ટરે આપી હતી પરંતુ બાદમાં તમામને તારીખો ફાળવી દેવાઇ  હતી.




Google NewsGoogle News