વડોદરાથી દેશના મહત્વના ફરવાલાયક સ્થળોને જોડતી ફ્લાઇટનો અભાવ
વેકેશન છતાં વડોદરા એરપોર્ટ પર સામાન્ય દિવસો જેટલી જ ભીડ
વડોદરા : હાલમાં દિવાળી વેકેશનનો માહોલ છે છતાં પણ વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો ધસારો જોવા મળતો નથી. વડોદરાથી દેશના મહત્વના ટુરિસ્ટ ડેસ્ટિનેશનોને જોડતી ફ્લાઇટ નહી હોવાના કારણે આવી સ્થિતિ જોવા મળી રહી છે.
વડોદરાથી હાલમા મુંબઇ, દિલ્હી, ગોવા, હૈદ્રાબાદ, બેંગાલુરૃની એરાઇવલ અને ડિપાર્ચર ફ્લાઇટ મળીને કુલ ૨૨ ફ્લાઇટના શિડયૂલ છે. ૨૨ ફ્લાઇટમા મળીને રોજના સરેરાશ ૩૦૦૦ થી ૩૫૦૦ મુસાફરોની અવર જવર રહે છે. હાલમાં દિવાળીના વેકેશનમાં પણ મુસાફરોની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો નથી. શનિવારે એરાઇવલ અને ડિપાર્ચર મળીને કુલ ૩,૫૭૫ મુસાફરો નોંધાયા હતા.
વડોદરામાં ટ્રાવેલ એજન્ટ અને પ્રવાસીઓનું કહેવું છે કે મધ્ય ગુજરાતમાં વડોદરા મહત્વનું સેન્ટર હોવા છતાં હરવા ફરવાના સ્થળો સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટનો અભાવ છે. ગોવા અને હૈદ્રાબાદ, બેંગાલુરૃની ફ્લાઇટ છે પરંતુ ઉત્તર ભારતમાં કાશ્મિર, જોલી ગ્રાન્ટ -દહેરાદુન એરપોર્ટ (ચારધામ યાત્રા માટે), નોર્થ ઇસ્ટના મહત્વના સ્થળોને જોડતી એક પણ ફ્લાઇટ નથી. જેથી વડોદરા અને મધ્ય ગુજરાતના મુસાફરોએ નાછૂટકે અમદાવાદથી ફ્લાઇટ પકડવી પડે છે.