જાહેર સ્થળો, બિલ્ડિંગોમાં દિવ્યાંગો માટે સુવિધાઓનો અભાવ, સરકારનું અભિયાન ખોવાઈ ગયું
વડોદરાઃ દિવ્યાંગો માટે જાહેર સ્થળોએ અને બિલ્ડિંગોમાં હજી પણ સુવિધાઓનો અભાવ છે.કેન્દ્રની મોદી સરકારે ૨૦૧૬માં દિવ્યાંગો માટે શરુ કરેલું સુગમ્ય ભારત અભિયાન જાણે ખોવાઈ ગયું છે તેમ ઓલ ઈન્ડિયા હેન્ડિકેપ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ સમીર કક્કડે કહ્યું હતું.
ટેકનોલોજી ફેકલ્ટીમાં દિવ્યાંગો માટેના પ્રેરણા ફેસ્ટિવલમાં લેકચર આપવા માટે આવેલા સમીર કક્કડ ૨૦૦૭માં શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિકનો એવોર્ડ પણ મેળવી ચૂકયા છે.તેમનો છાતીથી નીચેનો હિસ્સો કામ નથી કરતો.આમ છતા તેમણે જાતે ભારતથી લંડન સુધી ૧૫૦૦૦ કિલોમીટર કાર ચલાવવાનો રેકોર્ડ પણ સર્જેલો છે.તેમણે ૧૦૦૦૦ દિવ્યાંગ લોકોને વિશેષ રીતે કાર ડિઝાઈન કરીને પણ આપી છે.
અમદાવાદમાં રહેતા સમીર કક્કડે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મોટા બિલ્ડિંગો કે મોલમાં દિવ્યાંગો માટે અલગ સુવિધા ઉભી કરવામાં ઝાઝો ખર્ચ થતો નથી.આમ છતાં બિલ્ડરો આવી સુવિધાઓ ઉભી કરતા નથી.દિવ્યાંગોને સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે તેમાં અલગ અલગ રાજ્યોમાં સરકારી વિભાગો દિવ્યાંગોની વ્યાખ્યાનું અલગ અલગ અર્થઘટન કરતા હોવાથી દિવ્યાંગોને મુશ્કેલી સહન કરવી પડે છે.જેના કારણે મેં દિવ્યાંગોમાં જાગૃતિ માટે અને તેમના સશક્તિકરણ માટે અભિયાન ચાલુ કર્યું છે.મારે પોતાને કાર લાઈસન્સ લેવા માટે ત્રણ વર્ષ સુધી લડાઈ લડવી પડી હતી.
સમીર કક્કડ દુનિયાના એક માત્ર એવા કાર ડ્રાઈવર છે જેમણે કાર રેસમાં નોર્મલ ડ્રાઈવર્સની સાથે ભાગ લઈને ૨૦૦ કિમીની ઝડપે પણ કાર ચલાવી છે.તેમણે કહ્યું હતું કે, એક દિવ્યાંગ તરીકે દર્દનો ઉપયોગ દવા તરીકે કરતા હું શીખી ગયો છું.કોઈ તિરસ્કાર કરે તો મને સફળતા પ્રાપ્ત કરવા માટે બમણું ઝનૂન ચઢે છે.નાનપણથી કાર ચલાવીને આખી દુનિયાનો આંટો મારવાનુ મારુ સ્વપ્ન હતું અને બધા મારી મજાક ઉડાવતા હતા પણ આ સપનું મેં સાકાર કર્યું હતું.
પેરિસ પેરાલિમ્પિકમાં ઢગલાબંધ મેડલો મેળવીને
દિવ્યાંગ ખેલાડીઓએ પણ પોતાની ક્ષમતાઓ સાબિત કરી બતાવી છે
ભારત માટે ૧૯૭૨માં પહેલી વખત પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય સેનાના નિવૃત્ત જવાન મુરલીકાંત પેટકરના જીવન પરથી બનેલી ફિલ્મ ચંદુ ચેમ્પિયન તાજેતરમાં રિલિઝ થઈ હતી.
તેમણે પણ આજે પ્રેરણા ફેસ્ટિવલમાં વક્તવ્ય આપ્યું હતું.એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં પેરિસ પેરાલિમ્પિકમાં દિવ્યાંગ ખેલાડીઓએ ભારત માટે ૨૯ મેડલ્સ જીતીને સાબિત કરી દીધું છે કે, તેઓ પણ નોર્મલ ખેલાડીઓ કરતા કમ નથી.અમારા પેરાલિમ્પિક એસોસિસેશન દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે, મેડલ વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને પણ નોર્મલ ખેલાડીઓ જેટલું જ કેશ પ્રાઈઝ આપવામાં આવે.તેમણે કહ્યું હતું કે, હું જ્યારે મેડલ જીત્યો ત્યારે દિવ્યાંગ ખેલાડીઓને કોઈ ખાસ સુવિધા મળતી નહોતીહવે સુવિધાઓમાં ખાસો વધારો થયો છે.સરકાર દિવ્યાંગો માટે સંખ્યાબંધ યોજનાઓ લાવી છે.
મુરલીકાંત પેટકરે કહ્યું હતું કે, ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુધ્ધમાં મને નવ ગોળીઓ વાગી હતી અને તેમાંથી આઠ ગોળી મારા શરીરમાંથી ડોકટરોએ બહાર કાઢી હતી.એક ગોળી હજી મારા શરીરમાં છે.મારુ કમરથી નીચેનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું.આમ છતા હિંમત હાર્યા વગર મેં સ્વિમિંગ શીખીને ભારત વતી ઓલિમ્પિકમાં ૫૦ મીટર સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રેરણા ફેસ્ટિવલમાં ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાતા ઉહાપોહ
પ્રેરણા ફેસ્ટિવલના બીજા દિવસે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેન્ટેન્સના કારણે ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ઘણી ઈવેન્ટસ મોડી ચાલું થઈ હતી અને તેને લઈને ભારે ઉહાપોહ પણ થયો હતો.આજે નવ વાગ્યાથી વિવિધ પ્રકારના કાર્યક્રમો શરુ થવાના હતા પણ મેન્ટેનન્સના કારણે સવારે આઠ વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.બપોરે ૧૨ વાગ્યા બાદ વીજ પુરવઠો શરું થયા બાદ કેટલીક ઈવેન્ટસ શરુ થઈ હતી.વીજ કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, અમે ૪૮ કલાક પહેલાથી મેન્ટેનન્સની નોટિસ આપી હતી.અમને જો પહેલેથી જાણ કરવામાં આવી હોત તો મેન્ટેન્સના શીડયુલમાં અમે ફેરફાર કર્યો હતો.જોકે વીજ પુરવઠો ખોરવાતા બાળકો હેરાન થયા હતા અને તેમના વાલીઓએ રોષ પણ વ્યક્ત કર્યો હતો.