મ્યુનિ.કોર્પોરેશનની હદમાં જોડાયેલા કલાલીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
કલાલી તળાવ નજીક રોડનો ભાગ બેસી જતા અવરજવર બંધ કરાવી દેવાઇ
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો કરીને ઘણા બધા વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ આ વિસ્તારોને કોર્પોરેશન દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. જે અંગે અવારનવાર હોબાળો પણ મચતો રહે છે. સરકાર દ્વારા કોર્પોરેસનની હદમાં જોડાયેલા આઉટ ગ્રોથ વિસ્તારોમાં વિકાસના કામો કરવા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે.
વડોદરા શહેરના કલાલી વિસ્તારનો કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા પછી રોડ, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટલાઇટ, વરસાદી ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. જેથી લોકોમાં વેરો ભરવા છતાં પણ સુવિધાથી વંચિત રહેવા બદલ આક્રોશ જોવા મળી રહ્યો છે. કલાલી તળાવ પાસે છેલ્લા એક સપ્તાહથી રોડનો મોટોભાગ જ બેસી ગયો છે, અને નીચે માટીનું સેટલમેન્ટ થતું હોય તેમ રોડ હજી દબાઇ રહ્યો છે, અને અહીં વિશાળ ભૂવો પડે તેવી સંભાવના છે. જો કે આ સ્થળેથી પસાર થવું જોખમી હોવાથી અહીં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, અને અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૨ના અધિકારીઓને ફોન દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરી હોવા છતાં હજી કોઇ કામગીરી કરવામાં આવી નથી. ગામમાં લાલજી મંદિરની આસપાસ જ મોટા ખાડાઓ છે. રોડ ઉબડ ખાબડ છે, છતાં તેના પર પેચવર્ક કરવામાં આવતું નથી. કલાલી તળાવનું અગાઉ કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ તળાવની હાલત પણ બ્યુટીફિકેશન પછી જોઇએ તેવી સારી રહી નથી. હમણા તોતિંગ વૃક્ષ પડી જતા તળાવની રેલિંગ તૂટી પડી હતી. જેના કારણે લોકોને તળાવમાંથી મગર બહાર આવી જવાનો ભય રહે છે, કારણ કે વિશ્વામિત્રીમાંથી મગરો આ તળાવમાં આવી જતા હોય છે.