નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત
સાતમા માળે નેટ બાંધી હોત તો જીવ બચી જાત
વડોદરા,વારસિયા રીંગ રોડ પર નવી બંધાતી સાઇટના આઠમા માળેથી નીચે પટકાયેલા શ્રમજીવીનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સુરક્ષામાં બેદકારી રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા રીંગ રોડ પર સાંઇ પેરામાઉન્ટ નામની નવી સાઇટ બંધાઇ રહી છે. સાઇટના આઠમા માળે કનૈયાકુમાર દુખંતીરામ પ્રભાકર સેન્ટીંગનું કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક નીચે પડતા તે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા મોત થયું હતું. મૂળ યુ.પી.નો કનૈયાકુમાર હાલમાં સાઇટ પર જ રહેતો હતો. પોલીસને જાણ કરવામાં આવતા વારસિયા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. બહુમાળી બિલ્ડીંગના કામ સમયે કોઇ દુર્ઘટના ના ઘટે તે માટે દરેક માળે નેટ લગાવવામાં આવતી હોય છે. જે અંગે પૂછતા પોલીસે જણાવ્યું હતું કે, સાઇટના બીજા માળે નેટ લગાવી હતી. પરંતુ,સાતમા માળે નેટ લગાવી નહતી. જો સાતમા માળે નેટ લગાવી હોત તો શ્રમજીવીનો જીવ બચી જાત. આ કેસમાં કોની નિષ્કાળજી છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.