હોસ્પિટલની બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત
રાતે લઘુશંકા માટે ઉઠયો ત્યારે પગ લપસતા નીચે પટકાયો હોવાનું અનુમાન
વડોદરા,સયાજી હોસ્પિટલને સંલગ્ન બનતી નવી હોસ્પિટલની બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત થયું હતું. જે અંગે કારેલીબાગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરાધના સિનેમા પાસે સયાજી હોસ્પિટલમાં શરૃ થનારા નવા વોર્ડની બિલ્ડિંગ બની રહી છે. ત્યાં ૨૬ વર્ષનો શ્રમજીવી મજૂરી કામ કરતો હતો. ગઇકાલે રાતે તે પહેલા માળે સૂઇ ગયો હતો. રાતે તે પહેલા માળેથી નીચે પટકાતા માથામાં ઇજા થઇ હતી. સવારે તેના ભાઇએ ઉઠીને જોયું તો તે દેખાયો નહતો. જેથી, ભાઇની શોધખોળ હાથ ધરી હતી. બિલ્ડિંગની નીચે જઇને જોયું તો તેનો ભાઇ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. કારેલીબાગ પોલીસે સ્થળ પર જઇ ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસનું અનુમાન છે કે, રાતે મૃતક લઘુશંકા માટે ઉઠયો હશે. તે દરમિયાન પહેલા માળેથી નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હશે. ત્યારબાદ નીચે લિફ્ટની ખાલી જગ્યામાં ભરાઇ રહેલા ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હશે. જોકે, પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ સાચું કારણ જાણી શકાશે.