ગોત્રીમાં નવી બનતી ફોર્ચ્યુન ઇમ્પિરિયા સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટતાં શ્રમજીવીનું મોત

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ગોત્રીમાં નવી બનતી  ફોર્ચ્યુન ઇમ્પિરિયા સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટતાં શ્રમજીવીનું મોત 1 - image

વડોદરાઃ ગોત્રી નિલામ્બર સર્કલ પાસે મોડી સાંજે  નવી બની રહેલી સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટતાં એક શ્રમજીવીનું મોત થયું હતું.બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બનાવની તપાસ શરૃ કરી છે.

ગોત્રી નિલામ્બર સર્કલ પાસે અથશ્રી લક્ઝુરીયાની સામે ફોર્ચ્યુન ઇમ્પિરિયા-૨ સાઇટ બની રહી છે.જે સાઇટ શ્રીજી ઇન્ફ્રાના નામે હોવાની પ્રાથમિક માહિતી મળી છે તેમજ તેનો કોન્ટ્રાક્ટ હિરેન પટેલને આપવામાં આવ્યો હતો.આજે સાંજે  હાઇરાઇઝ ક્રેનની ટ્રોલી (કેજ) મારફતે પથ્થરો ઉપર ચડાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ટ્રોલી તૂટી પડતાં નીચે કામ કરી રહેલા  સરદાર ઇદાભાઇ ડુંડવા(૩૨) નામના  શ્રમજીવીનું સ્થળ પર જ મોત થયું હતું.

બનાવની સાથે વીજળીનો વાયર પણ તૂટયો હોવાથી કરંટ ચાલુ હોવાની વાત ફેલાઇ હતી.જો કે,બનાવના સ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને વીજ કંપનીની ટીમ આવી ગઇ હોવાથી સ્થિતિ સંભાળી લેવામાં આવી હતી.

એક દિવસ પહેલાં જ ટ્રોલી રીપેરિંગનું કામ કરાયું છતાં બનાવ બન્યો

ગોત્રીની નવી બંધાતી સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટી પડવાના બનાવમાં રસ્તાની અવરજવર બંધ કરવામાં આવી હોવાનો કોન્ટ્રાક્ટરે પોલીસ સમક્ષ બચાવ કર્યો હતો. પરંતુ જો અવરજવર બંધ હતી તો પછી શ્રમજીવી કેવી રીતે આવ્યો તે સવાલ પોલીસે પૂછ્યો છે.

બનાવના સ્થળે ચાલતી ચર્ચા મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા એક દિવસ પહેલાં જ ક્રેન અને ટ્રોલીનું રીપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.જો આ વાત સાચી હોય તો ગંભીર બેદરકારી ગણી શકાય તેમ છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા ક્રેનના ઇન્સ્પેક્શન રિપોર્ટની પણ તપાસ કરવામાં આવનાર છે.જ્યારે,ક્રેનના હુક સાથેની સિલિંગમાંથી ટ્રોલી કેવી રીતે તૂટી તેની પણ તપાસ કરવામાં આવશે.

શ્રમજીવીની પત્નીનો અદ્ભૂત બચાવ

ઉપરોક્ત  બનાવ બન્યો ત્યારે શ્રમજીવીની પત્ની નજીકમાં જ કામ કરી રહી હતી.સારાનશીબે મહિલાને કોઇ જ ઇજા થઇ નહતી અને તેની સામે જ શ્રમજીવી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

રેસકોર્સની એમ્પાયર સાઇટમાં પણ શ્રમજીવીનું મોત થયું હતું

રેસકોર્સ ચકલી સર્કલ નજીક આદર્શ હોસ્પિટલના નામે ઓળખાતી જગ્યામાં એમ્પાયર-૧ નામની સાઇટ બની રહી છે.જે સાઇટ પર અઢી મહિના પહેલાં ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરો કૂદી પડતાં બચી ગયા હતા. જ્યારે રમેશભાઇ પરમાર નામના શ્રમજીવીનું મોત થયું હતું.આ  બનાવમાં ગોત્રી પોલીસે કોઇ નક્કર કામગીરી કરી હોય તેમ જાણવા મળ્યું નથી.


Google NewsGoogle News