લક્ષ્મીપુરા ગામ રૂપાલા સામે ક્ષત્રિયવટે ચઢ્યું: ભાજપ માટે પ્રવેશબંધી સહિત વિરૂધ્ધ મતદાન કરવાની ચીમકી
પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ નથી લેતો. રાજકોટમાં એમણે ઉમેદવારી નોંધાવી દીધી છે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેઓ નહિ બદલાય એવો સંકેત આપી દિધો છે, હવે કોઈ નવો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકાય એવો સમય રહ્યો નથી. તેમ છતાં, ગામે ગામથી તેમનો વિરોધ ઉગ્ર બનતો જાય છે. વડોદરાના માંજલપુર બાદ લક્ષ્મીપુરા ગામ હવે વિરોધમાં જોડાયું છે.
ક્ષત્રિય સમાજના યુવાનો ગઈકાલે રાત્રે ગામના રસ્તાઓ પર ઉતરી વિરોધમાં જોડાયા હતા. ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. સંકલન સમિતિના આદેશ પ્રમાણે આંદોલન આગળ વધારવા ક્ષત્રિય સમાજની યુવા શક્તિ મક્કમ છે. લાગે છે કે ભાજપ પાણી પહેલા પાળ બાંધવાનું ડહાપણ ચૂકી ગયું છે કારણ કે રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બનતો જાય છે. લક્ષ્મીપુરાના ક્ષત્રિય આગેવાનોએ લક્ષ્મીપુરા ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ બંધી અને હવે ભાજપના વિરોધમાં મતદાન કરવાની હદ સુધી જવાની ચેતવણી આપી છે.