ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સાવલીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન ટાણે વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓની અટકાયત

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સાવલીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન ટાણે વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓની અટકાયત 1 - image


Lok Sabha Elections Vadodara : વડોદરા લોકસભા બેઠક અંતર્ગત આવતા સાવલીમાં આજે ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટનનું આયોજન રાખવામાં આવ્યું હતું. ત્યારે એના અનુસંધાને ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો અહીં દેખાવો કરે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાથી પોલીસ એક્શનમાં આવી હતી અને વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પાંચ જેટલા લોકોની અટકાયત કરાઈ હતી.

 રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ મામલે કરેલી ટિપ્પણી સામે વિરોધ વંટોળ માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર પૂરતો સીમિત રહ્યો નથી. પરંતુ તે ગુજરાતની અનેક બેઠક પર તેનો વિરોધ જોર શોરથી થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજે આ મામલે આંદોલન છેડ્યું હોવા છતાં ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને યથાવત રાખ્યા હતા અને તેમની ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા આટોપી હતી. માત્ર એક ઉમેદવારના કારણે ભાજપ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની સામે પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માતા હવે ક્ષત્રિય સમાજ પણ દરેક જિલ્લા સ્તર સુધી તેનો વિરોધ કરવાની નેમ સાથે આગળ વધતું હોય તેવું જણાઈ રહ્યું છે. 

આ વચ્ચે આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીના સાવલી ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. આજે ઉદ્ઘાટન ટાણે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો અહીં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સાવલી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની સામે કાર્યાલયના ઉદઘાટનના અનુસંધાને સવારથી ભાજપના આગેવાનો અને કાર્યકરો જ્યારે ભેગા થયા ત્યારે તેઓને ખબર પડી હતી કે અહીં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ વિરોધ કરવા આવ્યા છે. જેથી સમગ્ર ઘટના મામલે તેઓ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. જેથી સાવલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અહીં ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરતા પહેલા ક્ષત્રિય સમાજના પાંચ જેટલા આગેવાનોની અટકાયત કરી તેઓને સાવલી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાના પગલે સાવલીના મધ્યસ્થ કાર્યાલય ખાતે પોલીસે બંદોબસ્ત વધારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News