વડોદરા પાસેનું કોટણા ડૂબવાના બનાવોનું વધુ એક સ્પોટ બન્યું,બોટની પરવાનગી કોણે આપી
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ડૂબવાના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક પગલાં નહિં લેવાતાં આવા બનાવો સતત ચાલુ રહ્યા છે અને આશાસ્પદ યુવાનો તેનો ભોગ બની રહ્યા છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લાંછનપુરા,રસેલપુર જેવા સ્થળોએ અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા યુવક-યુવતીઓ ડૂબ્યા હોય તેમ મનાય છે.આમ છતાં અહીં યુવાઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.વહીવટીતંત્ર માત્ર બોર્ડ મૂકીને કે સૂચના આપીને જવાબદારીમાંથી છૂટી જાય છે.જેને કારણે આવા બનાવો હજી પણ બની રહ્યા છે.
આવી જ રીતે સિંધરોટ ખાતે પણ ચેકડેમ વિસ્તારમાં પોલીસ દ્વારા લોકોને રોકવામાં આવતા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ડૂબવાના બનાવો બનતા હોય છે.તો વાસદ ખાતે મહીસાગરમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા અવારનવાર ડૂબતા લોકોને બચાવવામાં આવતા હોય છે.છતાં ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.
ગઇકાલે વડોદરા પાસેના કોટણા ખાતે તાંદલજાના બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા.અહીં ચારેક મહિના પહેલાં પણ ડૂબવાનો એક બનાવ બન્યો હતો.વળી હોડીઓ પણ ચાલતી હતી જેની પરવાનગી કોણે આપી તે મુદ્દો તપાસનો વિષય છે.તો કોટણામાં રજાના દિવસોમાં કીડીયારું ઉભરાતું હોવાથી વાહનોનો જંગી ખડકલો થાય છે અને તેને કારણે ઘર્ષણના બનાવો બનતા હોયછે.જેથી ડૂબવાના બનાવો માટે વડોદરા જિલ્લામાં નવું એક સ્પોટ ઉમેારાયું છે.કોટણાના પંચાયતના આગેવાનોએ પોલીસ સમક્ષ લોકોને નાહવા જતા રોકવા રજૂઆત કરવામાં આવી છે.