Get The App

નવા ક્રિકેટ સ્ટેડિયમને નર્મદાનું પાણી પહોંચાડવા રૃા.૧૧ કરોડની પાઈપ લાઈન નાખવી પડી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
નવા ક્રિકેટ સ્ટેડિયમને નર્મદાનું પાણી પહોંચાડવા રૃા.૧૧ કરોડની પાઈપ લાઈન નાખવી પડી 1 - image

વડોદરાઃ વડોદરા  ક્રિકેટ એસોસિએશન દ્વારા શહેરથી ૧૮ કિલોમીટર દૂર હાલોલ જવાના રસ્તા પર કોટંબી ખાતે લગભગ ૨૦૦ કરોડ રુપિયાના બની રહેલા  ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે નર્મદા નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવશે.સ્ટેડિયમની અંદર મેદાનના આઉટફિલ્ડની જાળવણી માટે અને મેચ હોય તે દિવસે ૪૦૦૦૦ જેટલા દર્શકોને ધ્યાનમાં રાખીને હજારો લીટર પાણીની જરુરિયાત ઉભી થશે.જે માટે નર્મદા કેનાલમાંથી પાણી મેળવવામાં આવશે.

બીસીએ દ્વારા આ માટે નર્મદા કેનાલ ના વાઘોડિયા ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશન સુધી ૧૩ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખવાામં આવી છે.જે માટે ૧૧ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.એ પછી પણ નર્મદાનુ પાણી મેળવવા માટે બીસીએને દર મહિને લાખો રુપિયા ચુકવવા પડશે.બીસીએ દ્વારા ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ સાથે કોન્ટ્રાક્ટ પણ આગામી દિવસોમાં સાઈન કરવામાં આવશે અને એ પછી સ્ટેડિયમને નર્મદાનુ પાણી મળવાની શરુઆત થઈ જશે તેમ એસોસિએશનના હોદ્દેદારનુ કહેવુ છે.ગુજરાતમાં મોટાભાગના સ્ટેડિયમ પાણીની જરુરિયાત માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે ત્યારે કોટંબી સ્ટેડિયમ નર્મદાના પાણીનો ઉપયોગ કરનાર ગુજરાતનુ પહેલુ સ્ટેડિયમ બનશે. 

બીસીએના સૂત્રોના કહેવા પ્રમાણે કોટંબી અને તેની આસપાસના ભૂગર્ભ જળની ગુણવત્તા એટલી સારી નથી અને તેના કારણે આઉટ ફિલ્ડની જાળવણી માટે આ પાણી વાપરી શકાય તેમ નથી.ખરેખર તો સ્ટેડિયમ માટે જમીન ખરીદતા પહેલા જ ભૂગર્ભ જળની ગુણવત્તા ચકાસી લેવાની જરુર હતી.હવે માત્ર પાણીના કનેક્શન માટે બીસીએને કરોડો રુપિયાનો ખર્ચ કરવાનો વારો આવ્યો છે.

બીસીએ દ્વારા મુકવામાં આવેલા અંદાજ પ્રમાણે એક વખત સ્ટેડિયમ બનીને તૈયાર થઈ જશે તે પછી રોજ સરેરાશ બે લાખ લીટર પાણીની જરુર પડશે.

નવા સ્ટેડિયમમાં પણ ઈન્ટરનેશનલ મેચ જોવા ક્રિકેટ ચાહકોને રાહ જોવી પડશે

વડોદરામાં છેલ્લે ૨૦૧૦માં ઈન્ટરનેશનલ મેચ યોજાઈ હતી અને એ પછી સ્ટેડિયમના અભાવે વડોદરાને ૧૩ વર્ષથી એક પણ ઈન્ટરનેશન મેચ ફાળવવામાં આવી નથી.કોટંબી ખાતે બનીને લગભગ તૈયાર થઈ જવા આવેલા સ્ટેડિયમમાં પણ ઈન્ટરનેશનલ મેચ જોવા માટે વડોદરાના ક્રિકેટ ચાહકોને હજી રાહ જોવી પડશે.

અત્યારે અહીંયા રણજી ટ્રોફી મેચ સહિતની મેચો તો રમાઈ છે પણ ઈન્ટરનેશનલ મેચ યોજતા પહેલા સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ૩૦ મીટર પહોળાઈ વાળો રસ્તો બનાવવો નિયમ પ્રમાણે જરુરી છે.જેથી ૪૦૦૦૦ જેટલા દર્શકો ની સ્ટેડિયમ સુધી આસાનીથી અવર જવર શક્ય થશે.બીસીએના સૂત્રોનુ કહેવુ છે કે, એક કિલોમીટરનો આ રોડ બનાવવા માટે બે લાખ સ્કવેર ફૂટ જમીનની જરુર છે અને આ જમીન મેળવવાનુ કામ બીસીએ માટે મુશ્કેલ બની રહ્યુ છે.સૂચિત રસ્તા પર જે જમીનો છે તેના અલગ અલગ માલિકો છે અને આ તમામને વ્યક્તિગત રીતે મળીને તેમની પાસેથી જમીન ખરીદવી  મુશ્કેલ છે.આ સંજોગોમાં બીસીએ દ્વારા રાજ્ય સરકારની રસ્તા માટે જમીન સંપાદન કરવા મદદ માંગવામાં આવી છે.જેનો સરકારે જવાબ પણ આપ્યો છે.આમ છતા સરકારની મદદથી પણ જમીન પ્રાપ્ત કરવામાં બીજુ એકાદ વર્ષ લાગી જાય તેવી શક્યતાઓ છે.



Google NewsGoogle News